તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ ‘ઓન’ શાળા-કોલેજ ‘ઓફ’:વેકેશન બાદ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, રાજકોટમાં શાળા-કોલેજોમાં 100% સ્ટાફ સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ

રાજકોટ7 દિવસ પહેલા
રાજકોટની શાળા-કોલેજોનું ઓનલા�
  • ગત વર્ષે સરકારે ફીમાં 25% રાહત માટે કરી હતી જાહેરાત
  • આ વર્ષે ફરી ફીમાં રાહત કરે તેવી વાલીઓને આશા

ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ આજથી શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ ચુક્યો છે. જેમાં કોરોના મહામારીને કારણે પ્રત્યક્ષ શિક્ષણ કાર્યના બદલે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સતત બીજા વર્ષે ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે. આથી આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ ઉજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા રાજકોટમાં શાળા-કોલેજોમાં 100 ટકા સ્ટાફ હાજર છે અને ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.

રાજકોટમાં 1700 શાળા આજથી શરૂ
કોરોનાને કારણે હજુ શાળા-કોલેજોમાં ઓફલાઇન અભ્યાસની સરકારે છૂટ આપી નથી. તેના કારણે આજથી શાળાઓ ખુલી છે, શિક્ષકો ફરજ પર આવી ગયા છે. પરંતુ કિલ્લોલ કરતા બાળકો જોવા નહિ મળતા શાળાઓ સુમસામ નજર પડી રહી છે. રાજકોટ શહેર શિક્ષણ સમિતિ હસ્તકની 88 શાળાઓ અને રાજકોટ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી આશરે 1700 શાળાઓ આજથી શરૂ થઇ ચૂકી છે.

શિક્ષકો શાળાએ પહોંચી ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યુ.
શિક્ષકો શાળાએ પહોંચી ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યુ.

આ વર્ષ પણ સરકાર ફીમાં 25% રાહત માટે નિર્ણય લે તેવી વાલીઓમાં માંગ
ગત વર્ષે કોરોના મહામારીના કારણે ઓનલાઇન શિક્ષણ હોવાથી વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં રાહત માટે માંગ કરવામાં આવી હતી. જેની સામે સરકારે 25% ફીમાં રાહત આપવા નિર્ણય કર્યો હતો. આ વર્ષે પણ ઓનલાઇન શિક્ષણ શરૂ થતાં ફરી આ વર્ષે પણ ફીમાં રાહત આપવા વાલીઓની માંગ ઉઠી છે. જેની સામે શાળા સંચાલકોની પણ ફરિયાદ છે કે 25% ફી માફી બાદ પણ કેટલાક વાલીઓએ ફી ભરપાય કરી નથી. માટે શાળા સંચાલકોની ફરિયાદને ધ્યાનમાં રાખી સરકારે નિર્ણય લેવો જોઈએ.

શિક્ષકો-બિનશૈક્ષણિક કર્મચારીઓએ શાળાએ આવવાનું રહેશે
રાજ્યમાં ધો. 1થી 12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 1.27 કરોડ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. આ સાથે આર્ટ્સ, કોર્મસ, સાયન્સ, ડીગ્રી-ડિપ્લોમાં ઇજનેરી સહિતના ટેક્નિકલ અભ્યાસક્રમના આશરે 7 લાખ વિદ્યાર્થીનું શિક્ષણકાર્ય હાથ ધરાયું છે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવવાનું રહેશે નહીં, શિક્ષણ ઓ્નલાઇન લેવાનું રહેશે. શિક્ષકો-બિનશૈક્ષણિક કર્મચારીઓએ શાળાએ આવવાનું રહેશે.

100 ટકા સ્ટાફ સાથે શાળા-કોલેજો શરૂ થઈ.
100 ટકા સ્ટાફ સાથે શાળા-કોલેજો શરૂ થઈ.

ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
કોરોનાની બીજી ઘાતક લહેરને કારણે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ધોરણા 10ના વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા માટે 12 સભ્યની એક કમિટી બનાવવામાં આવી છે. તેમજ ફોર્મ્યુલા બનાવી તેના આધારે ધો.10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં આવશે.