તલની ઉનાળુ આવકો આગામી તારીખ 15મી મે બાદ શરૂ થઇ જશે. આ સાલ ખેતીના પાકો અંતર્ગત જરૂર કરતા વધુ ઠંડી, વધુ પડતી ગરમી તેમજ પ્રતિકૂળ આબોહવા સહિતના કારણોસર તલનું સરેરાશ ઉત્પાદન ગત સાલ કરતા અંદાજે 30 ટકા ઘટશે તેવી શક્યતા છે. તલમાં હાલ કેરિફોર્વર્ડ સ્ટોકમાં 25 હજાર ટનનું બેલેન્સ છે, જેમાં પણ માત્ર 15 ટકા જ ઉત્તમ ગુણવત્તાનો સ્ટોક છે, બાકીનો હોલ્ડિંગ અને ક્રશિંગ ક્વોલિટીમાં ચાલે તેવો સ્ટોક બચ્યો છે.
નવી આવકો પૂર્વે સ્ટોકિસ્ટોની ગભરાટભરી વેચવાલી શરૂ થતા છેલ્લા એક મહિનામાં પ્રતિ કિલોએ રૂ.5, મણે રૂ.120 તૂટતાં હાલ સફેદ તલનો ભાવ રૂ.2100-2200 અને કાળા તલનો ભાવ રૂ.2200-2450ના મથાળે અથડાઇ ગયો છે. તલ બ્રોકર રજનીભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, ‘તલમાં વાવેતરના જે સરકારના આંકડાઓ આવ્યા હતા, જેમાં ગત સાલ 91 હજાર હેક્ટરમાં ઉનાળુ વાવેતર દેખાડવામાં આવ્યું હતું, જેની સામે ત્યારે 1.50 લાખ ટન સફેદ તલનું અને 25 હજાર ટન કાળા તલનું ઉત્પાદન આવ્યું હતું.
સામાન્ય રીતે એક હેક્ટરે સવા ટન તલનું ઉત્પાદન આવતું હોય છે, જે અંદાજ મુજબ ઉપરોક્ત આંકડા મગજમાં બેસે તેવા નથી. કોરોના કાળમાં યોગ્ય સરવે થઇ શક્યો ન હોઇ તેવી શક્યતા છે. બાકી 91 હજાર હેક્ટરમાં વાવેતર હોય તો 1.75 લાખ ટન તલનું ઉત્પાદન શક્ય જ નથી ! બીજી તરફ આ આંકડાઓ સામે આ સાલ સરકારે 1.10 લાખ હેક્ટરમાં વાવેતર દર્શાવ્યું છે, જે મુજબ અંદાજિત પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ આ સાલ સવા લાખ ટન તલનું ઉત્પાદન શક્ય બને તેવા સંયોગો દેખાઇ રહ્યા છે. એટલે અંદાજિત ગત સાલ કરતા એકંદરે 30 ટકાનું ગાબડું પડે તેવું ચિત્ર અત્યારની પરિસ્થિતિ અને રિપોર્ટ મુજબ સ્પષ્ટ થઇ રહ્યું છે.
કોરિયાની પેસ્ટિસાઇડ્સ કંડિશનમાં તલ પાસ થવા મુશ્કેલ
કોરિયાના નવ હજાર ટનના ટેન્ડર અંતર્ગત 60 ટકા ખરીદી હજુ બાકી છે ત્યારે કોરિયાની પેસ્ટિસાઇડ્સ સંલગ્ન ખરીદીને લઇને આકરા ધારાધોરણોનો મુદ્દો કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યો છે. આપણા તલ કોરિયાની ખરીદીના નિયમોમાં આસાનીથી પાસ ન થઇ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. બીજી તરફ એક્સપોર્ટના કામકાજને લઇને કન્ટેનરના ભાડાં પણ ખાસ્સા વધી ગયા હોવાથી તેની અસર પણ વૈશ્વિક કામકાજો પર પડી રહી છે. આગામી તા.26મીના કોરિયાના ટેન્ડરમાં ભારતના ભાગે કેટલી ખરીદી આવે છે અને તેની કેવી અસર સ્થાનિક માર્કેટ પર જોવા મળે છે તેના પર મીટ મંડાઇ છે.
તલમાં ઉત્તમ, સારી ક્વોલિટીની અછત
તલમાં નવો પાક આવવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે હાલ જૂના પેન્ડિંગ સ્ટોકમાંથી કામકાજ ચાલી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક વખતથી તલની જે આવકો થઇ રહી છે તેમાં સારા સ્ટોકની જબરી અછત જોવા મળી રહી છે. પીઠાઓમાં હાલ સરેરાશ પ્રતિ મણ સફેદ તલના રૂ. રૂ.2100-2200 અને કાળા તલના રૂ.2200-2450ના ભાવ બોલાઇ રહ્યા છે.
સાઉથના ક્રશિંગવાળાઓ ખરીદી માટે ઉત્સાહિત
વિશ્વમાં ખાદ્યતેલની હાલત ખૂબ જ નાજુક છે. સોયાતેલ, પામતેલની સ્થિતિ જોઇએ તો ભાવ ઘટે તેવા કોઇ સંકેતો દેખાતા નથી. જેથી ભારતના ક્રશિંગવાળાઓ તલની ખરીદીને લઇને ઉત્સાહિત બની રહ્યા છે. અગ્રણી સ્ટોકિસ્ટો કહે છે કે, જો તલનો ભાવ પ્રમાણમાં ઓછો થશે, પેરિટી અને સાઉથના મોટા વેપારો ગોઠવાશે તો નવી આવકો શરૂ થતાં જ તલમાં સારા સ્ટોકની ખૂબ ડિમાન્ડ જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.