કૃષિ:સૌરાષ્ટ્રમાં તલની આવકના શ્રીગણેશ, આ વખતે ઉત્પાદન ઘટવાની ધારણા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં પ્રતિ મણના રૂ. 2345 બોલાયા, અઠવાડિયામાં આવક વધશે

સૌરાષ્ટ્રમાં નવા તલની આવકના શ્રીગણેશ થયા છે. રાજકોટમાં પ્રારંભમાં જૂજ આવક થઇ હતી, પ્રતિ મણના રૂ. 2345 સુધીના ભાવ બોલાયા હતા. હાલ છૂટી છવાઇ આવકો વચ્ચે આગામી પંદરેક દિવસ બાદ અનુક્રમે અન્ય પીઠાઓમાં વિક્રમી આવકો શરૂ થઇ જશે. બજારના આંતરિક સૂત્રો મુજબ કેરીફોવર્ડ સ્ટોકમાં જૂજ બેલેન્સ બચ્યું હોય, તેમાં પણ સારો સ્ટોક 15 ટકા જ હોવાનું મનાઇ રહ્યું છે. આ સાલ તલના પાકમાં અંદાજે 30 ટકા ઘટાડાના અંદાજ વચ્ચે આગામી પંદરેક દિવસમાં નવી આવકો વેગ પકડશે તેવી ગણતરી મુકાઇ રહી છે.

ટ્રેડર્સો, બ્રોકરો અને ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ તલમાં વેચવાલીનું દબાણ છે. કેમ કે, નવો સ્ટોક આવવાનો શરૂ થઇ ગયો છે. તલમાં સ્ટોકિસ્ટોએ પ્રચંડ વેચવાલી શરૂ કરતા પ્રમાણમાં બજારમાં કોઇ ખાસ કરંટ નથી. અગ્રણી બ્રોકર કહે છે કે, ‘‘તલમાં વાવેતરના જે સરકારી આંકડા આવ્યા હતા, જેમાં ગત સાલ 91 હજાર હેક્ટરમાં ઉનાળુ વાવેતર દેખાડાયું હતું, જેની સામે ત્યારે અંદાજે 1.50 લાખ ટન સફેદ તલનું અને 25 હજાર ટન કાળા તલનું ઉત્પાદન આવ્યું હતું. સામાન્ય રીતે પ્રતિ હેક્ટરે સવા ટન તલનું ઉત્પાદન આવતું હોય છે, જે અંદાજ મુજબ ઉપરોક્ત આંકડા મગજમાં બેસે તેવા નથી.

એવું બની શકે કે, કોરોનાકાળ અને કર્ફ્યૂને કારણે જે તે વખતે યોગ્ય સર્વે થઇ શક્યો ન હોઇ, યોગ્ય ફિગર જાહેર થઇ શક્યા ન હોય. બાકી 91 હજાર હેક્ટરમાં વાવેતર હોય તો 1.75 લાખ ટન તલનું ઉત્પાદન શક્ય જ નથી ! બીજી તરફ આ આંકડાઓ સામે આ સાલ સરકારે 1.10 લાખ હેક્ટરમાં વાવેતર દર્શાવ્યું છે જે મુજબ અંદાજિત પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ આ સાલ સવા લાખ ટન તલનું ઉત્પાદન શક્ય બને તેવા સંયોગો દેખાઇ રહ્યા છે. એટલે અંદાજિત ગત સાલ કરતા એકંદરે 30 ટકાનું ગાબડું પડે તેવું ચિત્ર અત્યારની પરિસ્થિતિ અને રિપોર્ટ મુજબ સ્પષ્ટ થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...