• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Self Sufficient Power Consumers: For The Last Three Years, 98287 Consumers Have Been Generating 41.50 Lakh Units Of Electricity Daily From Solar, Which Is 10% Of Saurashtra's Requirement.

ભાસ્કર એક્સક્લૂઝિવ:98 હજાર ગ્રાહક સોલરથી રોજ 41.50 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરી વાપરે છે, જે સૌરાષ્ટ્રની જરૂરિયાતના 10% જેટલી

રાજકોટ16 દિવસ પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
  • સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત 1805 મેગાવોટની કુલ ક્ષમતા સાથે દેશમાં પ્રથમ: સૌરાષ્ટ્રમાં રહેણાક-ઔદ્યોગિક સહિત 415 મેગાવોટના પ્લાન્ટ નખાયા
  • 415 મેગાવોટમાંથી 81% વીજળી માત્ર રહેણાક વીજગ્રાહકો ઉત્પન્ન કરે છે: જરૂર કરતાં વધુ ઉત્પાદન થાય તો ગ્રાહક વીજ કંપનીને પણ વીજળી વેચે છે
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અલગ-અલગ શહેરોમાં સૌથી વધુ રહેણાકમાં 95933 ગ્રાહકે સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યા

એકબાજુ દેશના ઘણા રાજ્યોમાં વીજળીની અછત પ્રવર્તી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના 98,287 વીજગ્રાહક એવા છે જેઓ વીજ કંપનીનો પાવર વાપરતા નથી પરંતુ સોલરથી વીજળી ઉત્પન્ન કરીને વાપરે છે. રહેણાક અને ઔદ્યોગિક સહિતના ગ્રાહકોએ કુલ 415 મેગાવોટનો સોલર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે જેનાથી દરરોજ 41.50 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની કુલ એવરેજ જરૂરિયાતના 10% પાવર ખુદ વીજગ્રાહકો જ ઉત્પન્ન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ 98,287 ગ્રાહકે 415 મેગાવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો છે જેમાં 95,933 રહેણાક ગ્રાહક છે.

જેમનો 337 મેગાવોટનો પ્લાન્ટ છે એટલે કે 81% વીજળી માત્ર રહેણાક વીજગ્રાહકો જ ઉત્પન્ન કરી છે. સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત 1805 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે સમગ્ર દેશમાં પ્રથમ છે. ગ્રીન એનર્જીને ઉત્તેજન આપવા તથા પર્યાવરણના જતનના ભાગરૂપે સૂર્ય ગુજરાત યોજના ઓગસ્ટ-2019થી અમલમાં છે. વીજગ્રાહકે ઉપયોગ કર્યા બાદ વધતી વીજળીનું પ્રતિ યુનિટ વળતર પણ મળે છે. સૂર્ય ગુજરાત યોજના હેઠળ સરકાર દ્વારા 40% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે જેનો ગ્રાહકો લાભ લઇ રહ્યા છે.

કેટેગરીકેટલા ગ્રાહકોકેટલી વીજળી ઉત્પન્ન
રહેણાક95,93333,70,000 યુનિટ
ઉદ્યોગ13515,90,000 યુનિટ
કોમર્શિયલ13720,000 યુનિટ
સરકારી કચેરી45890,000 યુનિટ
અન્ય40880,000 યુનિટ
કુલ98,28741,50,000 યુનિટ

20% રહેણાક ગ્રાહકો સોલર વાપરે તો ગુજરાતમાં 2100 મેગાવોટ ઊર્જા ઉત્પન્ન કરી શકાય
ગુજરાત રાજ્યમાં સૌર વિકિરણનું પ્રમાણ વધુ હોય સૌરઊર્જા ઉત્પાદનનું પોટેન્શિયલ પણ ઘણું છે. વીજ કંપનીના નિષ્ણાત જણાવે છે કે એક અંદાજ પ્રમાણે 20% રહેણાક વીજગ્રાહકો સોલર રૂફટોપ સ્થાપિત કરે તો ગુજરાતમાં 2100 મેગાવોટ સૌરઊર્જા ઉત્પન્ન કરી શકાય.

ગ્રાહક વીજ કંપનીને વીજળી વેચે તો પ્રતિ યુનિટ રૂ. 2.25ની આવક થાય
સૌરાષ્ટ્રમાં સોલરનો ઉપયોગ કરતા કેટલાક એવા પણ ગ્રાહકો છે જેઓ પોતાની જરૂરિયાતથી વધુ વીજળી ઉત્પન્ન કરે તો વધારાની વીજળી વીજ કંપનીને રૂ 2.25 રૂપિયા પ્રતિ યુનિટ લેખે વેચે છે અને આવક પણ મેળવે છે. જેમ કે કોઈએક રહેણાક ગ્રાહકની માસિક જરૂરિયાત 150 યુનિટ હોય છે તે 200 યુનિટ વીજળી ઉત્પન્ન કરે તો બાકીની 50 યુનિટ વીજળીનું પીજીવીસીએલ પ્રતિ યુનિટ 2.25 રૂપિયા વળતર આપે છે જે ગ્રાહકના બેંક ખાતામાં જમા થાય છે.

અન્ય સમાચારો પણ છે...