સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યની જુદી જુદી બેઠક પર એકપણ બેઠક ઉપર ચૂંટણી કર્યા વિના ભાજપ-કોંગ્રેસની આપસી સમજૂતીથી બિનહરીફ થઇ છે. જ્યારે સરકાર નિયુક્ત ચાર સભ્યની બાકી રહેલી નિમણૂક પર મંગળવારે નવા ચાર સિન્ડિકેટ સભ્યની વરણી કરવામાં આવી છે જેમાં રાજકોટના મહેશભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગરના અનિરુધ્ધસિંહ પઢિયાર, અમરેલીના પાર્થિવ જોષી અને જામનગરના વિમલ પરમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની જનરલ, આચાર્ય, ટીચર્સની બેઠક ઉપર મોટાભાગના સભ્યોને રિપીટ કર્યા છે ત્યારે સરકાર નિયુક્ત સભ્યોમાં પણ બે સભ્યને સિન્ડિકેટ તરીકે રિપીટ કરાયા છે જ્યારે નવા બે સભ્યને પ્રથમ વખત સિન્ડિકેટ સભ્ય તરીકે મોકો મળ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની જનરલની પાંચ બેઠકમાં ડો. નેહલભાઈ શુક્લ, ડો. ગિરીશભાઈ ભીમાણી, ડો. ભાવિનભાઈ કોઠારી તથા ડો. ભરતભાઈ રામાનુજ, હરદેવસિંહ જાડેજા ચૂંટાયા છે. સિન્ડિકેટની શિક્ષકની એક સીટ પર ડો. મેહુલભાઈ રૂપાણી બિનહરીફ તેમજ ભવનના વડાની એક સીટ પર ડો. દક્ષાબેન ચૌહાણ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે આચાર્યની બે બેઠકમાંથી ડો. રાજેશભાઈ કાલરિયા અને ડો. ધરમ કાંબલિયા બિનહરીફ ચૂંટાયા છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક દશકાથી વધુના સમયમાં જે શિક્ષણવિદો હોદા પર હતા તેઓને ફરી સત્તા અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.