તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોધમાર વરસાદની રાહ:સતત બીજા દિવસે પણ મેઘરાજાની હાથતાળી, રાજકોટમાં વહેલી સવારે ઝરમર વરસાદથી રસ્તા ભીના થયા, બફારો વધ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝરમર વરસાદથી શહેરના રાજમાર્ગો ભીંજાયા. - Divya Bhaskar
ઝરમર વરસાદથી શહેરના રાજમાર્ગો ભીંજાયા.
  • સરધારમાં વરસાદી ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં વરસાદની રાહ જોતા લોકોને મેઘરાજા હાથતાળી આપી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજકોટમાં સતત બીજા દિવસે આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા હતા. થોડાક વરસાદથી વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતા લોકો અકળાયા છે અને ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે.

રાજકોટ અને સરધારમાં ઝાપટા વરસ્યા
રાજકોટના મોરબી રોડ, આજીડેમ, ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ ભીના થયા હતા. જ્યારે સરધારમાં વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા છે. તેમજ વાદળછાયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે. આજે સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોએ કપાસ અને મગફળીના પાકનું આગોતરૂ વાવેતર કર્યું
સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાંયું વાતાવરણ જોવા મળતા આજે વરસાદ પડે તેવી પુરી શક્યતા છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ વાવણીલાયક વરસાદ પડી જતો હોય છે. પરંતુ હજી સુધી રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. આગોતરૂ વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતોએ કપાસ અને મગફળી સહિતના પાકોનું આગોતરૂ વાવેતર કરી દીધું છે.

વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો.
વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો.

મોંઘા ખાતર- બિયારણથી ખેડૂતોને માર
ખાતર તેમજ બિયારણના ભાવ મોંઘા હોવાથી ખેડૂતોને માર પડી રહ્યો છે. હાલ મગફળીના બિયારણના 2500થી 3500 સુધી બોલાઇ રહ્યા છે. જેની સામે મગફળી તૈયાર થાય તો ખેડૂતોને માત્ર 900થી 1100 સુધી જ ભાવ મળી રહ્યો છે. ખેડૂતો વાવાઝોડાને કારણે પણ પાયમાલ થયા છે. સાથે જ કોરોનાકાળમાં પણ ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે જગતનો તાત સારા ભાવ મળશે તેવી આશાએ આગોતરું વાવેતર કરી રહ્યો છે.

ખેડૂતોએ આગોતરા વાવેતરમાં શું કાળજી રાખવી?
આગોતરા વાવેતરમાં ખેડૂતોએ પાકની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જી.આર. ગોહિલના કહેવા મુજબ મગફળીમાં સુકારો આવે તો તુરંત પાણી આપવું જોઇએ. જો મગફળીમાં વધુ પ્રમાણમાં ઇયળનો ઉપદ્રવ જણાય તો દવાનો છંટકાવ કરવો. પરંતુ 35થી 40 દિવસ બાદ મગફળીમાં ઈયળ જોવા મળે તો દવાના છંટકાવની જરૂર નથી. આ ઉપરાંત જો વરસાદ ખેંચાય તો કપાસના પાકમાં સમયસર પાણી આપવું. સાથે જ કપાસમાં ચુસિયા પ્રકારની જીવાત દેખાય તો સમયસર દવાનો છંટકાવ કરવો.