તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનનું સરવૈયું:રાજ્યમાં રાજકોટ શહેર બીજા અને જિલ્લો ત્રીજા નંબરે, 13.91 લાખ શહેરીજનોએ અને 11.51 લાખ ગ્રામ્ય લોકોએ રસી લીધી

રાજકોટ14 દિવસ પહેલા
ડિસેમ્બર સુધીમાં 100 ટકા સાથે બંને ડોઝ આપવાનો લક્ષ્યાંક.
  • લોધિકા અને વીંછિયા તાલુકામાં સૌથી ઓછુ વેક્સિનેશન
  • ગામડાંમાં રસીમાં રસ લાવવા રાત્રે વેક્સિનેશનની કામગીરી

વેક્સિનેશનમાં રાજકોટ શહેર રાજ્યમાં બીજા નંબરે અને જિલ્લો ત્રીજા નંબરે છે. આગામી ડિસેમ્બર મહિના સુધીમાં બીજા ડોઝની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. શહેરમાં 13,91,713 લોકોએ વેક્સિન લઇ લીધી છે. જ્યારે ગ્રામ્યમાં વેક્સિન લેનાર લોકોની સંખ્યા 11,51,024 પર પહોંચી છે. લોધિકા અને વીંછિયા તાલુકામાં સૌથી ઓછુ વેક્સિનેશન થયું છે. આશા વર્કર દ્વારા ક્રોસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતના સરપંચો, શિક્ષકો, આશા વર્કર અને જીઆરડીની મદદ લઇ રસીકરણ અભિયાન ચાલી રહ્યાનું કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે.

રાજકોટ શહેરમાં વેક્સિનેશનની સ્થિતિ
રાજકોટ શહેરમાં 18 વર્ષથી ઉપરનાં અને 45 વર્ષથી નીચેના 5,93,336 ને પ્રથમ ડોઝ, 1,46,488ને બીજો ડોઝ આપી દીધો છે. 45થી 60 વર્ષ વચ્ચે 3,40,451ને પ્રથમ તેમજ 2,10,688ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટલાઇન વોરિયર્સમાં 33,883ને પ્રથમ અને 28497 લોકોને બીજો ડોઝ અપાય ચૂક્યો છે. અન્ય 20,299ને પ્રથમ તેમજ 18,071ને બીજો ડોઝ મળીને કુલ 13,91,713 લોકોને પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં.
રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં.

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની સ્થિતિ
જ્યારે જિલ્લામાં 18 વર્ષથી ઉપરનાં અને 45 વર્ષથી નીચેના 4,77,427ને પ્રથમ ડોઝ, 3,17,22ને બીજો ડોઝ, 45થી 60 વર્ષ વચ્ચે 3,88,229ને પ્રથમ તેમજ 1,96,535ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટલાઇન વોરિયર્સમાં 20,042ને પ્રથમ અને 15,726 લોકોને બીજો ડોઝ અપાય ચૂક્યો છે. અન્ય 11,699ને પ્રથમ તેમજ 9594ને બીજો ડોઝ મળીને કુલ 11,51,024 લોકોને પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી 13,91,713 ડોઝ તેમજ જિલ્લામાં 11,51,024 ડોઝ સાથે કુલ 25,42,737 ડોઝ અપાયા હોવાનું વિભાગીય નિયામક ડો.રૂપાલી મહેતાએ જણાવ્યું છે.

રસી મૂકાવવા યુવા વર્ગ ઉત્સાહિત.
રસી મૂકાવવા યુવા વર્ગ ઉત્સાહિત.

જિલ્લાના 37 ગામમાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન
એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો હજુ યથાવત છે. તેની વચ્ચે રાજકોટ જિલ્લામાં હજુ પણ અનેક ગામડાંઓમાં લોકો કોરોના વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યાં છે. જિલ્લાના 37 ગામ આજે પણ એવા છે જ્યાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન થયું છે. કેટલાક ગામોમાં તો માત્ર 10થી 20 ટકા જ રસીકરણ થયું છે. જિલ્લાના તાલુકાઓના કેટલાક વોર્ડમાં પણ 50 ટકા કરતા ઓછા લોકોએ કોરોનો વેક્સિન લીધી છે. આ વોર્ડ કે ગામમાં આજે પણ લોકોમાં વેક્સિન લેવા અંગે જાગૃતતા જોવા નથી મળી રહી. જેમાં ધોરાજીના વેલારિયા ગામમાં માત્ર 8 ટકા જ વેક્સિનેશન થયું છે. જ્યારે ઉડકિયામાં 19 ટકા અને ગરીડામાં 23 ટકા રસીકરણ થયું છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે કોરોનાની ત્રીજી લહેર આવે તો રસી ન લેવાનો નિર્ણય ભારે પડી શકે છે.

ગામડાંઓમાં રાત્રે વેક્સિનેશન કરવામાં આવે છે.
ગામડાંઓમાં રાત્રે વેક્સિનેશન કરવામાં આવે છે.

રસીમાં રસ લાવવા રાત્રે વેક્સિનેશન
આરસીએચઓ ડો. ભંડેરીના જણાવ્યા મુજબ ગામડાંઓમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી મોડી સાંજે પરત ફરતા હોય છે. ત્યારે આ ગામોમાં વેક્સિનેશન વેગવંતું બને અને લોકો રસી લેવા અંગે જાગૃત થાય તે માટે રાત્રીના 9 વાગ્યા સુધી વેક્સિનેશન શરૂ રાખવામાં આવે છે. ઘરે ઘરે જઈને પણ લોકોને રસી આપવા પ્રયત્ન થઈ રહ્યો છે. સાથે જ ગામના આગેવાનોનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.

જિલ્લાની સ્થિતિ

  • 82 ટકાએ લીધો પહેલો ડોઝ
  • 28 ટકાએ લીધા બન્ને ડોઝ
  • 87 ગામમાં 100 ટકા રસીકરણ
  • 158 ગામમાં 90થી 100 ટકા વેક્સિનેશન
  • 37 ગામમાં 50 ટકાથી ઓછું રસીકરણ
અન્ય સમાચારો પણ છે...