રાજકોટ મહાનગરપાલિકાએ બહાર પાડેલા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓમાં શરદી-ઉધરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય સપ્તાહ કરતા લગભગ ચાર ગણા કેસ આવતા આરોગ્ય શાખાએ તપાસ હાથ ધરી હતી. જેમાં ઋતુચક્રમાં પરિવર્તન સૌથી વધુ જવાબદાર પરિબળ હોવાનું સામે આવ્યું છે.
પાણીજન્ય રોગ ફેલાયા
શહેરના આરોગ્ય કેન્દ્રોમાં દર સપ્તાહે નોંધાતા રોગચાળાના કેસ જાહેર કરવામાં આવે છે અને આરોગ્ય કેન્દ્રોમાં જે કેસ નોંધાયા હોય છે. જેમાં શરદી-ઉધરસના દર સપ્તાહે આશરે 50થી 60 દર્દીઓ નોંધાતા હોય છે પણ તા.27 ફેબ્રુઆરીથી 05 માર્ચ દરમિયાન ચાર ગણા એટલે કે 434 કેસ નોંધાયા છે. ઝાડા-ઊલટીના પણ 115 કેસ અને સામાન્ય તાવના 36 કેસ નોંધાયા છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગ ફેલાયા છે.
એન્ટિલાર્વા એક્ટિવિટી શરૂ
દિવસે ગરમી અને રાત્રે ઠંડા પવનને કારણ મચ્છરોની સંખ્યા ફરીથી વધી છે. આ કારણે સતત બીજા સપ્તાહે ડેન્ગ્યુના બે કેસ નોંધાયા છે. આ કેસ વધે નહિ તે માટે ફરીથી એન્ટિલાર્વા એક્ટિવિટી શરૂ કરાઈ છે. એક સપ્તાહમાં 8596 ઘરમાં પોરાનાશક કામગીરી, 714 ઘરમાં ફોગિંગ કરાયું હતું. વિવિધ 586 સ્થળે ચકાસણી હાથ ધરી હતી જેમાં મચ્છર ઉત્પત્તિ બદલ 587 રહેણાક મકાનો અને 20 કોમર્શિયલ સ્થળે નોટિસ ફટકારાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.