રાજકોટમાં સદર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં દર રવિવારે આરએસએસની શિબિર યોજાતી હોય 13 વર્ષનો તરુણ શિબિરમાં ગયો હતો અને શિબિર પૂરી થતાં સ્કૂલની બહાર ઊભો હતો ત્યારે ત્યાં બાઇક પર ઊભેલા 30 વર્ષના શખ્સે ચાલ તને ક્રિકેટનો ટેનિસનો બોલ લઇ દઉ તેમ કહેતા તરુણ તેની જાળમાં આવી ગયો હતો અને બાઇકમાં પાછળ બેસી ગયો હતો. બદઇરાદે તરુણને બાઇકમાં બેસાડી એ શખ્સે બાઇક સિવિલ કેમ્પસમાં પોસ્ટમોર્ટમ રૂમ પાછળ ઊભું રાખ્યું હતું અને તરુણના બંને હાથ બાંધી મોઢે ડૂમો દઇ દીધો હતો અને તરુણ પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
અત્યાચાર થવા છતાં તરુણ હિમ્મત હાર્યો નહોતો અને તેણે પોતાની જાતે બાંધેલા બંને હાથ છોડાવી નજીકમાં પડેલો પથ્થર ઉઠાવી નરાધમને પથ્થરનો ઘા ઝીંકતા તે શખ્સ નાસી ગયો હતો જોકે જતા જતાં તેણે આ અંગે કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તરુણે ઘરે જઇ આ અંગે તેના પિતાને જાણ કરતા તેના પિતાએ પ્ર.નગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તરુણને જ્યાંથી ઉઠાવાયો ત્યાંથી સિવિલ સુધીના રસ્તા પર આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપીનું ફૂટેજ મળી આવ્યું હતું. હોસ્પિટલે જતી વખતે આરોપીએ પોતાનું નામ વિજય હોવાની વાત કરી હતી જોકે તે સાચું નામ છે કે કેમ તે તપાસનો વિષય છે. તે શખ્સની ભાળ મેળવવા પોલીસે જુદા જુદા વિસ્તારમાં લોકોને ફૂટેજ બતાવ્યું હતું પરંતુ આરોપીની ઓળખ હજુ સુધી સ્પષ્ટ થઇ નહોતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.