બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. પરીક્ષા પૂર્વે ધોરણ 10,12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પેપર શનિવારે રાજકોટ આવી ગયા હતા. જેને ચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. જેની સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે ગાંધીનગરથી ખાસ ટીમ આવશે. પરીક્ષા પૂર્વે સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યાં કેન્દ્ર ફાળવાયા છે.
ત્યાં ડિસ્ટ્રિબ્યૂટ કરાશે. ગાંધીનગરથી ખાસ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત સાથે પેપર આવ્યા હતા. પેપર સેટ આવતાની સાથે જ તેને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા હતા. બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર પણ સાબદું બન્યું છે. જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, કચ્છ સહિતના કેન્દ્રમાં પેપર અહીંથી ખાસ ટીમ સાથે રવાના કરવામાં આવશે.
રાઉન્ડ ધી ક્લોક સુરક્ષા રાખવામાં આવશે.બોર્ડની પરીક્ષાઓ શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી, પરીક્ષા કેન્દ્રોની આસપાસ એકઠા થવા તથા કોપીયર મશીનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થઈ શકશે નહીં. સભા ભરવા, સરઘસ કાઢવા, પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, વિજાણુ ઘડિયાળ અને તે પ્રકારના અન્ય સાધનો-યંત્રો લઈ જવા, પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્સ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા, કોપિંગ વગેરે ગેરકાયદે કૃત્ય કરવા પર અને ઝેરોક્સ તથા લીથોની કામગીરી કરતી દુકાનો પરીક્ષાના દિવસે અને સમયે બંધ રાખવા, સ્કૂલમાં ઉપલબ્ધ ઝેરોક્સ તથા લીથા મશીનો બંધ રાખવા પર પ્રતિબંધ છે. વિદ્યાર્થીઓ પરિક્ષાની તૈયારીમાં લાગી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.