રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમીટીની આજે બેઠક મળી હતી. જેમાં 1-7થી 30-9 સુધીનો ત્રિમાસિક ઓડિટ રીપોર્ટ રજૂ કરાયો હતો. જુદા જુદા બિલમાં સાડા સાત લાખના ઓવર બીલ અટકાવાયા હતા અને પોણા બે લાખના અંડર પેમેન્ટ સુધારવામાં આવ્યા હતા. કુલ 7.47 લાખના ઓવર પેમેન્ટ અને 1.77 લાખના અંડર પેમેન્ટ રોકીને બીલમાં સુધારા કરાયા હતા. રામવનના રોડ અને ઓપન થિયેટરના કલર કામના બિલમાં કાતર ફેરવવામાં આવી હતી. તેમજ આધાર કેન્દ્રો માટે 17.36 લાખના ખર્ચે નવી 14 કીટ ખરીદવામાં આવશે. સોલીડ વેસ્ટ શાખા સહિતના પ્રોજેક્ટ માટે એનઆઇસીએસઆઇ એજન્સીને સ્વચ્છતાની સલાહકાર તરીકે રોકવા 35.11 લાખ મંજૂર કરાયા છે.
25 હજારનું ઓવર પેમેન્ટ રોકી દેવાયું
ઉદઘાટન પૂર્વે તાત્કાલિક વોર્ડ નં.15માં નેશનલ હાઇવેથી રામવનને જોડતા રોડનું બીલ સામેલ હતું. 54 લાખના કામમાં 40 હજારનું અંડર પેમેન્ટ ધ્યાને આવ્યું હતું જે સુધારાયું છે તો સપ્તરંગી સંગીત ઉત્સવ માટે રેસકોર્ષના ઓપન એર થિયેટર ભવનને પેઇન્ટિંગ કરવામાં 25 હજારનું ઓવર પેમેન્ટ રોકી દેવાયું હતું. 1.74 લાખનું બીલ મૂકાયા બાદ 1.48 લાખનું બીલ મંજૂર કરવામાં આવ્યું હતું.
એક કર્મચારીએ પુત્રીની રેલવે ટિકિટ ખર્ચમાં મૂકી
દરમિયાન અન્ય એક ગંભીર વાત પણ ઓડિટના ધ્યાનમાં આવી હતી. કોર્પોરેશનના એક કર્મચારીએ તેના પુત્રીની રેલવેની ટિકિટ ખર્ચમાં મૂકી હતી. આ બીલનું ફ્રી ઓડિટ કરાયું હતું. 25 વર્ષ કે તેથી ઉપરના આશ્રીત બાળકોને એલટીસીનો લાભ મળતો નથી. તેમની પુત્રીની ટિકિટ અંગેનું બીલ શાખામાં પરત કરી દેવામાં આવ્યું હતું અને પાંચ હજાર બાદ કરાયા હતા.
દૂધસાગર રોડ પર હૈદરી ચોક પાસે પહેલું જીમ બનશે
રાજકોટ મહાપાલિકાએ શિયાળાના પ્રારંભે તંદુરસ્તીમાં વધારો કરતા જીમના સાધનોની નવી ખરીદી શરૂ કરી છે. તેના ભાગરૂપે વોર્ડ નં.15માં દૂધસાગર રોડ પર આવેલ હૈદરી ચોક નજીક પ્રથમ જીમ શરૂ કરવા રૂ.34 લાખનો ખર્ચ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન પુષ્કર પટેલે મંજૂર કર્યો છે. આચારસંહિતા બાદ આજે મળેલી સ્થાયી સમિતિની પ્રથમ બેઠકના એજન્ડા પર રહેલી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.
જીમના સાધનો માટે 34.59 લાખનો ખર્ચ મંજૂર કરાયો
દૂધસાગર રોડ પર હૈદરી ચોક પાસેની ભગવતી સોસાયટી શેરી નં.3માં મનપાએ જીમ શરૂ કર્યુ છે. જેમાં સાધનો મૂકવા 5 લાખની ગ્રાન્ટ અગાઉ કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મંજૂર કરીને સોંપી દીધી હતી. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા જુદા જુદા જીમ માટે સાધન ખરીદવા ટેન્ડર બહાર પડાતા 54.76 લાખના સાધનો પૂરા પાડવા ઓફર આવી હતી. જે પૈકી હાલ હૈદરી ચોકમાં સાધનો મુકવાનું નક્કી કરતા 34.59 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. જેરાઇ ફીટનેસ કંપની પાસેથી આ સાધનો ખરીદવામાં આવશે. આ વિસ્તારના લોકોને પહેલી વખત આ સુવિધા મળી રહી છે.
આધાર કેન્દ્રો માટે 14 કીટ ખરીદાશે
ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આધાર કેન્દ્રો માટે 17.36 લાખના ખર્ચે નવી 14 કીટ ખરીદવામાં આવશે. તો સામાકાંઠે વોર્ડ નં.6માં નવી લાયબ્રેરી માટે રૂા.15.22 લાખના ખર્ચે કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવા મંજૂર કરાયું છે. 22-10ના રોજ યોજાયેલી આતશબાજીનો 9.43 લાખ અને વંદે વિકાસ યાત્રાનો 2.12 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. આમ એકંદરે આજની બેઠકમાં 1.14 કરોડના કામો ફટાફટ મંજૂર કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.