રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 35 દિવસના વેકેશન બાદ આજથી શાળા શરૂ થઈ છે. પ્રથમ દિવસે જ શાળામાં 80% જેટલી વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી રહી છે અને આવતા 3-4 દિવસમાં શાળા રાબેતા મુજબ શરૂ થાય તેવી આશા શાળા સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે. હાલ કોરોના વધતા જતા કેસ વચ્ચે ફરી એક વખત શાળા શરૂ થતા સાવચેતી રાખવી એ એક પડકાર સંચાલકો માટે બની રહેશે.બીજી તરફ રશિયા-યુક્રેનના યુદ્ધને પગલે કાગળની અછત ઉત્પન્ન થઈ છે. જેને પગલે ધો.6થી 8ના પાઠ્યપુસ્તકોની અછત જોવા મળી રહી છે. જેમાં ખાસ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની ટેક્સ્ટ બુકની ખપ સર્જાઈ છે.
શાળા રાબેતા મુજબ શરૂ થઇ જશે
આજે શરુ થયેલી સ્કૂલો અંગે શાળા સંચાલક અજય પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ઓનલાઇન અને ઓફલાઈન શિક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓ ઘણી અગવડતા અનુભવી જેની સામે હવે સંપૂર્ણ ઓફલાઈન શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી ત્રણ થી ચાર દિવસમાં શાળા રાબેતા મુજબ શરૂ થઇ જશે. આ સાથે સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન અને કોરોનાના નિયમોંનું પાલન કરવામાં આવે છે.
હજુ સુધી પૂરતા પુસ્તકો મળ્યા નથી
નોંધનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં ધોરણ 1થી 12ના 4 લાખ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારે પુસ્તકોની અછત અંગે અજય પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,મોટા ભાગે ધો. 6થી 8માં પુસ્તકોની અછત જોવા મળી રહી છે. જેમાં પણ વધારે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના પુસ્તકોની અછત છે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકોની માંગ કરવામાં આવી હતી. જે 1 જૂન ના રોજ પુરી કરી દેવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી પરંતુ આજે હજુ સુધી પૂરતા પુસ્તકો મળ્યા નથી. લગભગ હજુ પણ 10થી 15 દિવસ બાદ પૂરતા પુસ્તકો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ
ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન વચ્ચે થયેલ યુધ્ધ ના કારણે કાગળની અછતના કારણે પુસ્તકો પ્રિન્ટીંગમાં સમય લગતા પાઠ્યપુસ્તકોની અછત જોવા મળતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે શાળાઓ તો શરૂ થઇ પરંતુ તેની સાથે સાથે કોરોના સામે સલામતી અને રક્ષણ પણ એક પડકાર સંચાલકો માટે જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તે માટે શાળા દ્વારા પણ પુરી કાળજી રાખવી પડે તેમ છે. ત્યારે શરદી ઉધરસ કે તાવ જેવા લક્ષણો જોવા મળે તો તે બાળકોને શાળા એ ન જવા અને ટેસ્ટ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.