ફી વધારો થતા મુશ્કેલી:સ્કૂલોએ 5થી 15 ટકા ફી વધારો કર્યો છે ; પ્રમુખ, મંજૂરી વિના સ્કૂલો ફી ન વધારી શકે ; ડીઈઓ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખાનગી શાળા એસોસિએશનના પ્રમુખે જ સ્વીકાર્યું કે શાળાઓએ ફી વધારો કર્યો છે, હવે શિક્ષણાધિકારી શાળા સંચાલકો સામે કાર્યવાહી કરી શકશે?

ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કર્યા બાદ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન અપાયું છે ત્યારે શહેરની તમામ શાળાઓમાં આગળના ધોરણમાં પ્રવેશની કાર્યવાહી પણ શરૂ થઇ ગઈ છે. એકબાજુ કોરોના મહામારીમાં વાલીઓ સ્કૂલની ફી ઘટાડવા માંગણી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ રાજકોટની મોટાભાગની શાળાઓએ ગુપચુપ ફી વધારો કરી દીધો છે. ખુદ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતાએ પણ સ્વીકાર્યું છે કે નવા સત્રમાં શહેરની મોટાભાગની શાળાઓએ 5થી 15 ટકાનો ફી વધારો કર્યો છે.

જયારે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા જણાવે છે કે હજુ એફઆરસીએ નવા શૈક્ષણિક સત્રની ફી નિર્ધારિત કરી નથી અને એફઆરસીની મંજૂરી વિના કોઈપણ સ્કૂલ એક રૂપિયો પણ ફી વધારી ન શકે. જો કોઈ સ્કૂલે આવું કર્યું હશે તો નિયમ મુજબ તેની સામે કાર્યવાહી કરાશે. શહેરની મોટાભાગની શાળાઓએ એકાએક ફી વધારો ઝીંકી દેતા નવા ધોરણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. કોરોના મહામારીમાં અનેકે રોજગારી ગુમાવી છે, ધંધા-રોજગાર હજુ સેટ થયા નથી એવામાં બાળકોના શિક્ષણની ફી વધારી દેતા વાલીઓ શાળાઓમાં પણ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે.

આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મેહતાએ કહ્યું કે શાળાઓએ છેલ્લે 2019 પછી ફી વધારી ન હતી, 2020માં કોરોના મહામારીમાં પણ ફીમાં 25 ટકા ઘટાડો કરવો પડ્યો. આ દરમિયાન શિક્ષકોના પગાર સહિતના મુદ્દે શાળાઓને મુશ્કેલી પડી રહી હોવાને કારણે મોટાભાગની સ્કૂલોએ આ વર્ષે ફી વધારો કર્યો છે.

શાળા સંચાલકોના ફી વધારા સામે વાલીમંડળનો વિરોધ, હેલ્પલાઈન જાહેર
સ્કૂલ તરફથી વાલીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે વાલીમંડળે હેલ્પલાઈન જાહેર કરી છે જેમાં ફી વધારા, એડવાન્સ ફી, માર્કશીટ, એલ.સી સહિતના મુદ્દે વાલીઓને પરેશાન કરતી સ્કૂલો સામે લડત ચલાવવા જાહેર કરેલા હેલ્પલાઈન નંબર 7900890009 ઉપર વાલીઓ સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...