સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં શૈક્ષણિક કાર્ય ઓફલાઈન કરવામાં આવ્યું છે. છતાં રાજકોટના રણછોડ નગર વિસ્તારમાં લિટલ લોર્ડ્સ પ્લે હાઉસમાં 25 જેટલા નાના-નાના ભૂલકાઓને કોરોનાની ગાઇડલાઇન્સને નેવે મૂકી શિક્ષણ આપતા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા પ્લે હાઉસના સંચાલક કેતનભાઇ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
નાના બાળકો કોરોના થાય તો જવાબદાર કોણ ?
જો શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ ચાલુ હોય તો માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, સૅનિટાઇઝર અને સફાઈ જેવા અનેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પરંતુ સરકારના નિયમોને નેવે મૂકી વાઇરલ થયેલા વિડીયોમાં પ્લે હાઉસની શિક્ષિકાએ પણ માસ્ક પહેર્યા નહોતા તથા વિદ્યાર્થીઓને ખીચો ખીચ બેસાડવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં જો માસૂમ ભૂલકાઓને કોરોના થશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક યક્ષ પ્રશ્ન રહેલો છે.
વાલીઓ પણ બેદરકારી દાખવી બાળકોને પ્લે હાઉસમાં મોકલ્યા
ઉલ્લેખનીય છે કે નાના ભૂલકાઓને તેમના વાલીઓએ પણ કોરોનાના ડર વિના અભ્યાસ કરવા માટે મોકલ્યા એ પણ આશ્ચર્યજનક બાબત છે. જો બાળકોના માતા-પિતા જ તેના સ્વાસ્થ્ય અંગે બેદરકારી દાખવશે તો ભૂલકાઓને કોરોના સામે લડવાનો વારો આવે તેવા ઘાટ ઘડાય રહ્યા છે. હાલ આરોપીસામે ગુનો નોંધી પોલીસે કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.