કાર્યવાહી:લોધિકામાં નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલમાં બે વિદ્યાર્થિનીને અડપલાં કરનાર સ્કૂલ સંચાલક ભૂગર્ભમાં, શોધખોળ માટે પોલીસના ઠેર-ઠેર દરોડા

રાજકોટ2 મહિનો પહેલા
  • રાજકોટ મહિલા કોંગ્રેસે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ મુદ્દે વિરોધ કર્યો

રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી જેમાં જિલ્લાના લોધિકા પોલીસ મથક વિસ્તારના નવી મેંગણી ગામમાં આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલમાં સંચાલક ધોરણ 9ની બે વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કરતો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપી અકુલ સંચાલક વિરુધ્ધ પોકસો તેમજ એટ્રો એક્ટ અંતર્ગત ગુનો નોંધાતા જ સ્કૂલ સંચાલક ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી અને ઠેરઠેર તેના આશ્રય સ્થાનો પર દરોડા પાડ્યા હતા જો કે હજુ સુધી આરોપી પોલીસ હાથ લાગ્યો નથી.

રાજકોટ ગ્રામ્યના એસસી એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ.
રાજકોટ ગ્રામ્યના એસસી એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ.

આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી
ગત શનિવારે રાત્રીના રાજકોટ જિલ્લાના નવી મેંગણી ગામમાં આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની અને તેના વાલીઓ લોધિકા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. વિદ્યાર્થિનીઓએ પોતે જ્યાં અભ્યાસ કરે છે તે નવી મેંગણીની જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલક દિનેશ સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરાઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલક દિનેશ કેટલાક સમયથી તેમની સામે ખરાબ દ્રષ્ટિથી જોતો હતો અને છેલ્લા એક મહિનામાં અલગ અલગ બહાના હેઠળ ઓફિસમાં બોલાવતો હતો અને પાછળથી જકડી રાખી અડપલાં કરતો હતો એક મહિનામાં છ વખત આવા કૃત્ય કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. પોલીસે ગુનો નોંધ્યા બાદ રવિવારે બંને વિદ્યાર્થિનીના વિસ્તૃત નિવેદનો નોંધ્યા હતા, તેમજ ગુનો નોંધાતા જ નાસી છૂટેલા દિનેશની શોધખોળ તેજ કરવામાં આવી હતી.

શહેર મહિલા કોંગ્રેસ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલયમાં ઘુસી નવી મેંગણી ગામની ઘટનાને વખોડી કાઢી
શહેર મહિલા કોંગ્રેસ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલયમાં ઘુસી નવી મેંગણી ગામની ઘટનાને વખોડી કાઢી

રાજકોટ મહિલા કોંગ્રેસ દ્રારા વિરોધ
આરોપી દિનેશની પત્ની સીમા જોષી લોધિકા તાલુકા ભાજપના મહિલા મોરચાના આગેવાન છે. મહિલા આગેવાનના પતિએ જ બબ્બે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાની વાત વાયુવેગે ફેલાઇ જતાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન આરોપી દિનેશના સમર્થનમાં પોલીસ મથકે પહોંચેલા કેટલાક આગેવાનોનો ભોગ બનનારના પરિવારજનોએ ઊઘડો લીધો હતો. ત્યારે આ મામલે આજ રોજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલયમાં ઘુસી નવી મેંગણી ગામની ઘટનાને વખોડી કાઢી ભાજપ મહિલા આગેવાન સીમાબેન જોષીના પતિ શાળા સંચાલક સામે કડક સજા મળે તેવી માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...