વલ્કેનો ફાઉન્ડેશનનું અભિયાન:જીવનની પાઠશાળા - ગરીબોને સાક્ષરતા, આરોગ્ય, પગભર થવાની તાલીમ અપાય છે

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૈસાને બદલે જરૂર મુજબની મદદ કરાય છે

જરૂરિયાતમંદ, ગરીબોને નાણાકીય સહાય કરીને તેને લાચાર અને નિ:સહાય બનાવવાને બદલે રાજકોટનું વલ્કેનો ફાઉન્ડેશન તેને જરૂરિયાત મુજબની મદદ કરી રહ્યા છે. આ અભિયાનમાં વેપારીઓ પગભર થવાની, ડોક્ટર આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે કરવી તેની તાલીમ આપે છે, તો શિક્ષકો સાક્ષરતાના પાઠ શીખવે છે.

આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ ડો. શ્રીપાલ ખજૂરિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોને રોજીરોટી અપાવી ચૂક્યા છે. આ માટે એવો જ ઉદેશ રાખવામાં આવ્યો છે કે જેવી આવડત તેવું કામ. ટાઢ, તાપ અને વરસાદમાં કોઈ સમસ્યા ન આવે તે માટે ગરીબોના ઝૂંપડાંની આજુ બાજુ વૃક્ષારોપણ કરવામાં આવે છે. બીમારીમાં પ્રાથમિક સારવાર મળે માટે ઘરઆંગણે તુલસી, એલોવેરા, લીમડો, અરડુસી જેવી ઔષધીયુક્ત વૃક્ષારોપણ કરાય છે.

જેવી આવડત એવું કામ, ગીત-સંગીતના કાર્યક્રમ પણ
સ્લમ વિસ્તાર માટે એક જ સિદ્ધાંત રાખવામાં આવ્યો છે કે, જેવી આવડત તેવું કામ. તેમજ તેઓને મનોરંજન મળી રહે તે માટે ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે.

સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરાય છે
સ્લમ વિસ્તારમાં જે કાંઈ સમસ્યા હોય તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે છે. આ માટે ખાસ વિદ્યાર્થીઓની એક ટીમ બનાવવામાં આવી છે. સૌથી મોટી મુશ્કેલી ગરીબ લોકોને પાનકાર્ડ, આધારકાર્ડની આવે છે. વિદ્યાર્થીઓને જોડવાનું કારણ એ છે કે, તેઓમાં પણ આત્મવિશ્વાસ આવે અને તેઓ ભવિષ્યમાં બીજાની મદદ કરી શકે અને ગરીબોને મદદ મળી રહે.

અન્ય સમાચારો પણ છે...