રાજકોટના નાનામોવા સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે. જેમાં સ્કૂલ બસે એક્ટિવાને અડફેટે લઈ યુવાનને કચડતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગત રાત્રે મોરબી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં સ્કૂલ બસે બાઇકને અડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રાજકોટના નાનામવા સર્કલ પાસે અકસ્માત
રાજકોટ શહેરના નાનામવા રોડ પર આસોપાલવ એલીગન્સ બિલ્ડીંગમાં રહેતા યજ્ઞેશ અશોકભાઈ રાવલ (ઉ.વ.30) આજે બપોરે બે વાગ્યાની આસપાસ પોતાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે નાનામવા રોડ પર કલ્યાણ પાર્ટી પ્લોટ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવેલ મહાત્મા ગાંધી સ્કૂલની બસે હડફેટે લેતાં યજ્ઞેશભાઈ એક્ટિવા સહિત રોડ પર ફંગોળાયા હતા અને બસનું વહીલ યુવકના મોઢા પર ફરી વળતા મોઢું છુંદાઈ ગયું હતું અને તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જનાર ચાલક બસ મૂકી પલાયન
આ સમગ્ર ઘટના અંગે કોઈએ 108ને જાણ કરી અને બાદમાં 108ના સ્ટાફે આવી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.અકસ્માતની ઘટનાથી બનાવ સ્થળે ટ્રાફિક જામ થયો હતો અને ત્યાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ત્યાંથી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત સર્જનાર ચાલક બસ મૂકી પલાયન થઈ ગયો હતો.
રાત્રે હોટલેથી જમી પરત ફરી રહેલાં બે મિત્રોને બોલેરોએ ઉડાડ્યા
મોરબી રોડ પર આવેલ હોટલેથી જમી પરત ફરી રહેલા બે મિત્રોને અજાણ્યાં બોલેરો ચાલકે અડફેટે લેતાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
હડાળાના પાટિયા પાસે બોલેરોએ બન્ને મિત્રને અડફેટે લીધા
પ્રાપ્ત વિગત મુજબ બેડી વાછકપરમાં રહેતાં નવઘણ ધીરૂભાઇ વાઢુંકીયા (ઉં.વ.18) અને મેહુલ દિનેશભાઇ બાબરિયા (ઉં.વ.20) ગત સાંજના મોરબી રોડ પર આવેલ મોમાઇ હોટલ પર જમવા માટે ગયા હતા. અહીંથી બન્ને બાઇકમાં પરત ફરી રહ્યા હતા ત્યારે હડાળાના પાટીયા પાસે આવેલ શિવશક્તિ હોટલ નજીક પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યાં બોલેરો ચાલકે અડફેટે લઈ નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં બન્ને મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
નવઘણ શાકભાજીનો ધંધો કરતો હતો
પરંતુ નવઘણ વાઢુંકિયાનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાસી છૂટનાર અજાણ્યાં બોલેરો ચાલકની શોધખોળ આદરી હતી. વધુમાં મૃતક શાકભાજીનો ધંધો કરતો અને ચાર બહેન અને બે ભાઈમાં નાનો હતો. બનાવથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.