મે મહિનાના અંતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લોકલ ફોર્મેશનના કારણે હળવા ઝાપટાં પડ્યા બાદ કાળઝાળ ગરમીનો દોર શરૂ થયો હોઇ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બુધવાર બાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ સક્રિય થાય તેવા સંકેતો વચ્ચે એકંદરે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે તેમજ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.
રાજકોટ હવામાન કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 25 થી 33 ટકાએ પહોંચતા અસહ્ય બફારા વચ્ચે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. પવનની ઝડપ 14 થી 22 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ હતી. દરમિયાન મંગળવારે સાંજે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 38.6 નોંધાયું હતું.
ભેજનું પ્રમાણ 27થી 41 ટકા નોંધાયું હતું. પવનની ઝડપ પ્રતિ કલાક 15થી 18 કિ.મી.ની નોંધાઇ હતી. જ્યારે મહત્તમ અમરેલીમાં 41, ભાવનગરમાં 41, દ્વારકામાં 32, ઓખામાં 33, પોરબંદરમાં 34, વેરાવળમાં 34, દીવમાં 32, સુરેન્દ્રનગરમાં 42, મહુવામાં 34 અને કેશોદમાં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આ વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદનો પ્રારંભ 15થી 20 જૂન વચ્ચે થઈ જવાની આશા સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.