EDAC તપાસ કરશે:અમરેલીની કોલેજમાં હોમિયોપેથીની પરીક્ષામાં ઉત્તરવહી સાથે જૂની સપ્લિમેન્ટરી જોડી પાસ કરાવી દેવાનું કૌભાંડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • BHMSમાં સીટ નં. 3010ના વિદ્યાર્થીની ઉત્તરવહી સાથે 3488 નંબરની સપ્લિ. નીકળી, 3488 નંબરની ઉત્તરવહી સાથે 3010ની સપ્લિ. નીકળી
  • યુનિ.એ કોલેજને મોકલેલી સપ્લિમેન્ટરીના નંબર પણ જુદા નીકળતા EDAC તપાસ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની કોલેજમાં હોમિયોપેથીમાં પરીક્ષા બાદ જૂની સપ્લિમેન્ટરી જવાબ સાથે પાછળથી જોડી વિદ્યાર્થીને પાસ કરાવવાનું કૌભાંડ પકડાયું છે. યુનિવર્સિટીમાં સોમવારે ઈડીએસીની બેઠક મળી હતી જેમાં કુલ 60માંથી માત્ર 9 વિદ્યાર્થી હાજર રહ્યા હતા જેમાંથી 8ને નિયમ મુજબ સજા કરવામાં આવી હતી જ્યારે એક વિદ્યાર્થીનો કિસ્સો શંકાસ્પદ જણાતા તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. માર્ચ-2021માં લેવાયેલી થર્ડ BHMSમાં ઓર્ગેનોન મેડિસિનનું પેપર લેવાયું હતું જેમાં અમરેલીની વી.એન.વ્યાસ હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થી ભૂરિયા જયેન્દ્રસિંહ એમ સીટ નં. 3010ની મુખ્ય ઉત્તરવહીમાં પોતાના અક્ષર અને સપ્લિમેન્ટરીમાં જુદા અક્ષર હોવાનું જણાતા પેપર ચેક કરનારે આ અંગે ઈડીએસીમાં મોકલ્યું હતું. આ કિસ્સામાં સીટ નંબર 3010ના વિદ્યાર્થીની મુખ્ય ઉત્તરવહી સાથે જે સપ્લિમેન્ટરી જોડી હતી જેમાં સીટ નં. 3488 હતો. અને સીટ નં. 3488 નંબરની મુખ્ય ઉત્તરવહીમાં 3010ની સપ્લિ. હોવાનું ખૂલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને પરીક્ષા બાદ જવાબ સાથેની સપ્લિ. જોડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.

વધુમાં યુનિવર્સિટીએ પરીક્ષા દરમિયાન જે નંબરની સપ્લિ.નો જથ્થો તે કોલેજને મોકલ્યો હતો તેના બદલે ઉત્તરવહી સાથે જુદા નંબરની સપ્લિ. જોડવામાં આવી હતી. બંને વિદ્યાર્થીઓની સપ્લિ.માં એક જ વ્યક્તિના અક્ષર છે અને એક જ પ્રશ્નનો જવાબ લખ્યો છે. આ અંગે હાલ ઈડીએસી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ કેસમાં કોલેજ દ્વારા આર્થિક હિત માટે પણ આવું કરવામાં આવતું હોવાની ચર્ચા જાગી છે.

બંને ઉત્તરવહીમાં સપ્લિમેન્ટરી જુદી જુદી જોડી દેતા કૌભાંડ બહાર આવ્યું
થર્ડ બીએચએમએસના પેપર ચેકિંગ દરમિયાન સીટ નં. 3010ના વિદ્યાર્થીની મુખ્ય ઉત્તરવહી અને સપ્લિમેન્ટરીના અક્ષર જુદા જુદા નીકળ્યા, મુખ્ય ઉત્તરવહીમાં 3010 નંબર અને સપ્લિ.માં 3488 નંબર હતો. ત્યારબાદ સીટ નં. 3488ની મુખ્ય ઉત્તરવહી મગાવતા તેમાં પણ સપ્લિમેન્ટરી 3010ની નીકળી અને બંને સપ્લિમેન્ટરીમાં એક સરખા અક્ષર હોવાને લીધે કૌભાંડ આચરાયું હોવાની શંકા જતા યુનિવર્સિટીએ કોલેજને પરીક્ષા દરમિયાન મોકલાયેલી સપ્લિમેન્ટરી નંબર સરખાવ્યા તો તે પણ જુદા નીકળ્યા. જેથી એવું સ્પષ્ટ થયું કે કોલેજ દ્વારા જૂની સપ્લિમેન્ટરીમાં પ્રશ્નોના જવાબ પરીક્ષા બાદ લખીને જોડી દેવામાં આવતા હતા. ઈડીએસીમાં પણ વિદ્યાર્થીએ કબૂલ્યું છે કે સપ્લિ.માં અક્ષર પોતાના નથી અને તેણે જોડી નથી.

ઈડીએસી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે
કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીની ઉત્તરવહી અને સપ્લિ. ઉપરાંત અન્ય સપ્લિ.ની હવે પછીની મિટિંગમાં તપાસ ઈડીએસી કરશે અને તેના નિર્ણય બાદ જવાબદાર જે કોઈ હશે તેની સામે કાર્યવાહી કરાશે.