તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સ્ટિંગ:માત્ર 1500 રૂપિયામાં એકપણ ઓળખના પુરાવા વિના વિદેશીઓનાં આધારકાર્ડ કાઢવાના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટ8 મહિનો પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરે પોલીસને સાથે રાખીને કરેલા સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવી સનસનીખેજ હકીકત
  • નકલી પુરાવા બનાવવા કોની-કોની અને કેવી મદદ લીધી, સંચાલકને મોડી રાત્રે પોલીસે ઉઠાવી લીધો હતો
  • પાનકાર્ડ કાઢી આપવાની પણ ખાતરી આપી હતી
  • વાંચો આખી વાતચીત અને ઘટનાક્રમ... કેવી રીતે ચાલે છે આધારકાર્ડ કાઢવાનું કારસ્તાન

નેપાળી સહિતના વિદેશી લોકોને કોઈપણ ઓળખના પુરાવા વગર માત્ર પૈસાની લાલચમાં આધારકાર્ડ કાઢી આપવાના કૌભાંડનો ‘દિવ્ય ભાસ્કર’ અને પોલીસના સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો હતો. રાજકોટમાં કેટલાંક સેન્ટર પર કોઇપણ પુરાવા વગર વિદેશી લોકોને આધારકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ ચાલતું હોવાની ‘દિવ્ય ભાસ્કર’ને હકીકત મળતાં ભાસ્કરની ટીમે રૈયારોડ પર આવેલા જનસેવા કેન્દ્ર ખાતે તપાસ શરૂ કરી હતી. જનસેવા કેન્દ્રના સંચાલકે રૂ.1500માં આધારકાર્ડ કાઢી આપવાની ખાતરી આપતાં જ ભાસ્કરની ટીમે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાને સમગ્ર કૌભાંડ અંગે જાણ કરી હતી. વિદેશી લોકો આધારકાર્ડ સહિતના પુરાવા એકઠા કરી તેને આધારે ભારતીય નાગરિકત્વ મેળવવા માટેનું પગથિયું ચડી જાય છે, ભાસ્કર તથા પોલીસે સાથે મળી એક ઓપરેશન ઘડી કાઢ્યું હતું.

સંચાલકે 1500માં કાર્ડ કાઢી આપવાનું કહ્યું
ગત તા.21ના રોજ બહાદુર નામના એક નેપાળીનો પોલીસ અને ભાસ્કરે સંપર્ક કર્યો હતો, તેની પાસે આધારકાર્ડ નહોતું, સંચાલક પ્રકાશ મારવિયાએ રૂ.1500માં કાર્ડ કાઢી આપવાની ખાતરી આપી હતી, અને બહાદુર નેપાળી પાસેથી રૂ.1500 લીધા હતા. બીજા દિવસે બહાદુરનો ફોટો માગ્યો, ફોટો આપતાં જ તેણે બાકીના પુરાવા એકત્રિત કરી લેશે તેમ કહી તા.27ના રોજ ફરીથી બોલાવ્યા હતા. તા.27ના રોજ પહોંચતાં જ સંચાલક પ્રકાશે બહાદુર નેપાળીને કાલાવડ રોડ પર આવેલી ફેડરલ બેંકે જઇ ફિંગરપ્રિન્ટ આપવાનું કહ્યું હતું.

જનસેવા કેન્દ્રમાં 100 રૂપિયા પડાવી કાર્ડ આપ્યું
અમારી ટીમ બેંકે પહોંચી ત્યારે ત્યાં ફરજ પર રહેલાં મહિલા કર્મચારીએ બહાદુરની રેટિના સ્કેન અને ફિંગરપ્રિન્ટ લીધા હતા, ત્યાર બાદ ફરી જનસેવા કેન્દ્ર ખાતે જવાનું કહ્યું હતું. જનસેવા કેન્દ્રએ પહોંચતાં તેણે થોડા જ દિવસમાં કાર્ડ મળી જશે તેમ કહ્યું હતું. તા.27ના જનસેવા કેન્દ્રનો સંપર્ક કરતાં તેણે ફરીથી રૂ.100 પડાવી આધારકાર્ડ આપ્યું હતું. પ્રકાશ મારવિયાને પીઆઈ વાળા સહિતની પોલીસ ટીમે રાત્રે ઉઠાવી લઈ જનસેવા કેન્દ્ર પરથી કેટલોક શંકાસ્પદ મુદામાલ જપ્ત કર્યો હતો.

જનસેવા કેન્દ્રના સંચાલક પ્રકાશનો દાવો- અનેક નેપાળીના આધારકાર્ડ કાઢી નાખ્યાં છે ભાસ્કર: આ નેપાળી પાસે કોઇ પુરાવા નથી, આધારકાર્ડ કઢાવવું છે. પ્રકાશ: હાલમાં તો નવા કાર્ડ નીકળતા નથી, અગાઉ અનેક નેપાળીઓનાં આધારકાર્ડ કાઢ્યાં છે. ભાસ્કર: આ બહાદુરને લોન લેવી છે, આધારકાર્ડ જરૂરી છે, જો નીકળી શકે તેમ હોય તો કહો. પ્રકાશ: આવતી કાલે આવો, રૂ.1500 થશે. ભાસ્કર: આધારકાર્ડ કઢાવવાનું જ છે, કહો તો અત્યારે જ પૈસા ચૂકવી આપીએ, ભાસ્કરની ટીમે પૈસા આપ્યા. પ્રકાશ: જનસેવા કેન્દ્રના સંચાલક પ્રકાશે રૂ.1500 લીધા અને બીજા દિવસે આવવાનું કહ્યું. ભાસ્કર: બીજા દિવસે બહાદુર સાથે પહોંચે છે, બહાદુરનો માત્ર ફોટો આપ્યો, અન્ય કોઇ પુરાવા નથી. પ્રકાશ: કોઇ વાંધો નથી, હું પુરાવા બનાવી લઇશ, તા.27ના ફિંગર માટે આવી જજો. ભાસ્કર: તા.27ના જનસેવા કેન્દ્રએ ભાસ્કરની ટીમ અને બહાદુર પહોંચ્યા. પ્રકાશ: તમારા તમામ પુરાવા તૈયાર કરી કાલાવડ રોડ પરની ફેડરલ બેંકે મોકલી આપ્યા છે, ત્યાં જઇને ફિંગરપ્રિન્ટ આપીને પરત આવો. ભાસ્કર: પૂરી ટીમ બેંકે પહોંચી, ત્યાં બહાદુરના ફિંગર પ્રિન્ટ લેવામાં આવ્યા અને આધારકાર્ડ મળી જશે તેવું મહિલા કર્મચારીએ કહ્યું. ભાસ્કર: અમારી ટીમ ફરીથી જનસેવા કેન્દ્રએ પહોંચી, શક્ય હોય એટલું વહેલું આધારકાર્ડ કઢાવી આપજો, બહાદુરને લોન લેવાની છે. પ્રકાશ: ચિંતા કરોમાં, તમારું આધારકાર્ડ આવી જશે.

એક્સપર્ટ - પુરાવા વગર આધાર નીકળે પછી સિમકાર્ડ મેળવી ગુનામાં ઉપયોગ થાય: ડીસીપી
ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ ગુનાના કામે જ્યારે નેપાળી શખસ પકડાતાં ત્યારે એ શખસ પોતે વર્ષોથી રાજકોટમાં રહેતો હોવાનું કહી આધારકાર્ડ બતાવતો હતો અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી ત્યારે વર્ષોને બદલે ત્રણેક મહિના પહેલાં નેપાળથી આવ્યો હોય અને યેન કેન પ્રકારેણ આધારકાર્ડ કઢાવી લીધાનું ખૂલતું હતું, આધારકાર્ડ કાઢી આપતી એજન્સીઓ અંગત સ્વાર્થ માટે કોઇપણ ડોક્યુમેન્ટ વગર આધાર કાર્ડ કઢાવી આપતા હોવાની અમને શંકા હતી, નેપાળી કે અન્ય કોઇપણ વિદેશી વ્યક્તિ આધારકાર્ડ કઢાવ્યા બાદ તેને આસાનીથી મોબાઇલનું સિમકાર્ડ મળી જાય છે અને તે સિમકાર્ડથી મોબાઇલ ચાલુ કરી તેનો ગુના કરવામાં ઉપયોગ કરે છે. આવાં તત્ત્વોને શોધી કાઢવા અમારા માટે પડકાર હતો, આ અંગે ઊંડાણપૂર્વક તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...