• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Scam In Rajkot To Earn 75 Thousand Per Student In 2nd To 5th Semester By Getting Admission In Another College In The First Semester.

ઇન્ટેકનો ઉલાળિયો:રાજકોટમાં પહેલા સેમેસ્ટરમાં વિદ્યાર્થીને બીજી કોલેજમાં પ્રવેશ અપાવી બાદમાં ચાલાકીથી સેમેસ્ટર 2 થી 5માં વિદ્યાર્થી દીઠ 75 હજાર કમાવવાનું કૌભાંડ

રાજકોટ13 દિવસ પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બીએ, બીસીએમાં ઇન્ટેક ફુલ થયા બાદ કોલેજો પોતે જ અન્ય કોલેજમાં વિદ્યાર્થીના એડમિશનનું સેટિંગ કરાવી દે છે, એક સેમેસ્ટરની ફી પણ આપે છે
  • યુનિ. 120 વિદ્યાર્થીનો ઇન્ટેક મંજૂર કરે, કેટલીક કોલેજો બીજા સેમેસ્ટરથી 150થી 200 વિદ્યાર્થી ભરે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઘેરબેઠા બીએડના બિઝનેસનો પર્દાફાશ થયા બાદ હવે બીએ અને બીસીએ સહિતના કોર્સમાં પણ યુનિવર્સિટીએ મંજૂર કરેલા ઇન્ટેક કરતા વધુ વિદ્યાર્થીઓને ગેરકાયદે રીતે પ્રવેશ આપીને અનેક કોલેજો વિદ્યાર્થી દીઠ 75 હજારની કમાણી કરી રહી છે.

30થી 50 વિદ્યાર્થીને માત્ર પ્રથમ સેમેસ્ટર પૂરતા
બીએ, બીસીએ સહિતના કોર્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 60થી 120 વિદ્યાર્થીઓનું ઇન્ટેક કોલેજોને મંજૂર કરેલું હોય છે પરંતુ કોલેજ સંચાલકો વધુ ફીની લાલચે પ્રથમ સેમેસ્ટરમાં 120નો ઇન્ટેક ફૂલ થઇ ગયા બાદ પણ વધારાના 30થી 50 વિદ્યાર્થીને માત્ર પ્રથમ સેમેસ્ટર પૂરતા અન્ય કોલેજમાં એડમિશન અપાવી સેટિંગ કરાવી આપે છે અને બીજા સેમેસ્ટરથી તે વિદ્યાર્થીઓને ફરી પોતાની કોલેજમાં ટ્રાન્સફર કરાવી લે છે.

કોલેજને એક સેમેસ્ટરની અંદાજિત 15 હજાર ફી પણ આપે છે
એક સેમેસ્ટર પૂરતા એ કોલેજમાં એડમિશન લીધા હોય છે તે કોલેજને એક સેમેસ્ટરની અંદાજિત 15 હજાર ફી પણ આપે છે, પરંતુ બાકીના 2થી6 સેમેસ્ટરની પ્રતિ સેમેસ્ટર રૂ. 15 હજાર એટલે કે બાકી રહેલા 5 સેમેસ્ટરના એક વિદ્યાર્થીના રૂ. 75 હજારની ગેરકાયદે રીતે પ્રવેશ આપીને કમાણી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. એકંદરે કોલેજ સંચાલક માત્ર પ્રથમ સેમેસ્ટર જ યુનિવર્સિટીના ઇન્ટેક મુજબ ચલાવે છે, બીજા સેમેસ્ટરથી ગમે તેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી યુનિવર્સિટીના જ ઇન્ટેકના નિયમનો ભંગ કરી રહ્યા છે.

આવી રીતે સમજો, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો કેવી રીતે ગોલમાલ કરીને કરી રહી છે મોટી કમાણી

  • ધારો કે A કોલેજમાં બીસીએની 120 સીટનું ઇન્ટેક યુનિવર્સિટીએ મંજૂર કરેલું છે.
  • પરંતુ કોલેજમાં 200 વિદ્યાર્થીઓના એડમિશન માટેના ફોર્મ આવ્યા છે
  • કોલેજ 120 વિદ્યાર્થી પોતાની કોલેજમાં અને 80 વિદ્યાર્થીનું B કોલેજમાં સેટિંગ કરી પ્રવેશ અપાવશે.
  • આ 80 વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની ફી અંદાજિત રૂ. 15 હજાર લેખે 12 લાખ B કોલેજને ચૂકવશે
  • બીજા સેમેસ્ટરથી આ તમામ 80 વિદ્યાર્થીઓ ફરી A કોલેજમાં આવી જશે
  • 80 વિદ્યાર્થીઓ બીજાથી છઠ્ઠા સેમેસ્ટર સુધી હવે A કોલેજમાં જ ભણશે
  • એટલ કે 2થી 6 સેમેસ્ટરની વિદ્યાર્થી દીઠ 75 હજાર અને 80 વિદ્યાર્થીની કુલ 60 લાખની કમાણી થશે

વાંકાનેર, જસદણ, જામનગરમાં સૌથી વધુ ગેરરીતિ થાય છે
તાલુકા કક્ષાએ યુનિવર્સિટી સંલગ્ન જે-તે કોર્સની માત્ર એક-એક જ કોલેજ હોવાને કારણે ત્યાં સૌથી પહેલા ઇન્ટેક ફૂલ થઇ જાય છે ત્યારબાદ પણ વિદ્યાર્થીઓના પ્રવાહ સતત ચાલુ રહે છે તેથી તાલુકાની કોલેજમાં ઇન્ટેક ફૂલ થઇ ગયા બાદ વધારાના વિદ્યાર્થીઓનું જિલ્લાની ગામે તે કોલેજોમાં સેટિંગ કરીને એડમિશન લઈ લેવાય છે, બીજા સેમેસ્ટરથી ફરી બોલાવી લેવાય છે. રાજકોટ જિલ્લાના જસદણ, વાંકાનેર ઉપરાંત જામનગર જિલ્લામાં પણ આ પ્રકારનું દૂષણ મોટાપાયે ચાલી રહ્યું છે.

1 થી 6 સેમેસ્ટર સુધી કોલેજે મંજૂર ઇન્ટેક પ્રમાણે જ પ્રવેશ આપવાનો રહેશે
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ જે-તે કોર્સના તમામ સેમેસ્ટર સુધી મંજૂર મહેકમ પ્રમાણે જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાના રહેશે. પ્રથમ સેમેસ્ટરમાં ઇન્ટેક પ્રમાણે એડમિશન આપે અને બીજા સેમેસ્ટરથી વધુ વિદ્યાર્થીઓને એડમિશન આપી દે તેવું નહીં ચાલે. વિદ્યાર્થીએ જે કોર્સમાં એડમિશન લીધું હોય તેના તમામ સેમેસ્ટર સુધી યુનિવર્સિટીએ મંજૂર કરેલા ઇન્ટેક જેટલા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. 120નું ઇન્ટેક હોય અને બીજા સેમેસ્ટરમાં 10 વિદ્યાથી ઘટીને 110 થાય તો કોલેજ 10 વિદ્યાર્થી નવા લઇ શકે તેનાથી વધુ નહીં. કોલેજોએ યુનિ.ના ઇન્ટેકના નિયમો પાળવા પડશે. > ડૉ. ગિરીશ ભીમાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...