વ્યાજખોરોનો ત્રાસ:સાયલાના યુવકનું વ્યાજખોરોએ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકથી અપહરણ કર્યું, ઢોરમાર મારી લૂંટ ચલાવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગરના સાયલામાં રહેતો અને અમદાવાદ-રાજકોટ રૂટ પર કાર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી વ્યાજખોરોએ રૂ.25 હજારની પઠાણી ઉઘરાણી કરી પોતાની જ કારમાં અપહરણ કરી પડધરી અને કાલાવડ રોડ પર લઈ જઈ બેફામ મારી ધમકી આપી અને કાર તેમજ મોબાઈલની લૂંટ ચલાવી છોડી મુક્તા રાજકોટના મૂળરાજસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, રાજભા ફૌજી, વિરુભા જાડેજા અને રાજુભાઈ તેમજ બે અજાણ્યા શખ્સો સામે કલમ 365, 392, 387, 120(બી), 323, 504, 506, 114 અને મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ આવ એટલે તને ઉપાડી લેવાનો છે
રાજકોટ અમદાવાદ હાઇવે પર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રહેતા યુવરાજસિંહ વાઘેલા (ઉ.વ.30) ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું કાર ડ્રાંઇવિંગનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં એક પુત્ર છે. હું બે ભાઈમાં નાનો છું. મેં થોડા સમય પહેલા અજયસિંહ જાડેજા પાસેથી વ્યાજે રૂ.25 હજાર લીધા હતા. તે પૈસા હપતા અનુસાર ચુકવતો હતો. ત્યારે ગઈકાલે હું મારી વર્ધિ કરી લીંબડીથી પરત ફરતો હતો ત્યારે રાજભાનો કોલ આવ્યો કે તારે પૈસા ક્યારે આપવાના છે અને તું રાજકોટ આવ એટલે તને ઉપાડી લેવાનો છે. જેથી એટલી વાત થતા મેં પૈસા આપી દઈશ તેમ કહ્યું હતું.

ફોન કર નહીં તો ટાંટિયા ભાંગી નાખીશ
ત્યારબાદ હું ગઈકાલે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મિત્ર સાથે ઉભો હતો ત્યારે ત્યાં આ રાજભા, વીરુભા અને અન્ય શખ્સો આવ્યા હતા અને મારી ગાડીની ચાવી લઈ લીધી હતી તેમજ મોબાઈલ લઈ મને ગાડીમાં બેસાડી પડધરીની જીઇબી ઓફિસ પાસે લઈ ગયા હતા ત્યાં મને વિરુભાએ ધોકા વડે માર માર્યો હતો. બાદમાં ત્યાં રાજભા વચ્ચે પડી તેની અર્ટિગાકારમાં નાખી મને કાલાવડ રોડ પર એક વાડીમાં લઇ જઇ મને બેફામ મારમાર્યો હતો.ત્યાં રાજભાએ અજયસિંહને ફોન કર્યો હતો અને તેમાં અજયસિંહે કહ્યું હતું કે તારે રૂ.25 હજારમાંથી જે 5 હજાર આપી દીધા હતા હવે તારે 20 હજારના રૂ.30 હજાર આપવાના છે.તારા પરિવારને ફોન કર નહીં તો ટાંટિયા ભાંગી નાખીશ.

તમારા પૈસા ચૂકવી આપીશ
બાદમાં મેં મારા ભાઈને કોલ કરી પૈસાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું. જેથી ભાઈએ થોડો સમય આપો તમને તમારા પૈસા ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું. છતાં આ લોકો મને છોડવા તૈયાર નહોતા ત્યાં થોડીવારમાં કાલાવડ રોડ પર આવેલી એક હોટેલ પાસે લઈ જતા થોડીવારમાં મને અજયસિંહનો કોલ આવ્યો હતો અને પૈસા કાલે 11 વાગ્યા સુધીમાં આપી દેજે નહીંતર તારો પતો નહિં મળે તેવી ધમકી આપી હતી. બાદમાં મને કાલાવડ રોડ પર જ છોડી મુકવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકે બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી પોતાની હકીકત જણાવતા PI એમ.સી.વાળા સહિતના સ્ટાફે ગુનો નોંધી કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...