રાજકોટમાં આજે ધુળેટી પર્વની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. અબાલવૃધ્ધ સહિત સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો હતો. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પોલીસ પરિવાર સાથે ઉત્સાહભેર ધુળેટીની ઉજવણી કરી હતી. આ અંગે CP રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે, આજે હોળીપર્વની દરેકને શુભકામના. આજે રંગોની છોળો ઉડશે. આ એક દિવસ અમને મળે છે જયારે અમે પરિવાર સાથે ધુળેટી ઉજવી શકીએ છીએ. નોંધનીય છે કે આ ઉત્સવમાં જ્યાં પોલીસકર્મીઓ પરિવાર સાથે રંગોના પર્વમાં તરબોળ થયા હતા.
રાહદારીઓ પર ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ
હોળી-ધુળેટીના તહેવાર પર કેટલાક શખ્સો છાકટા બનીને રાહદારીઓ પર કલર ઉડાડતા હોય છે તેમજ પાણી ભરેલા ફુગ્ગાઓ યુવતીઓ પર ફેંકીને છેડતી કરતા હોવાના કિસ્સા પણ અગાઉ બન્યા છે, ત્યારે આગામી ધુળેટીના તહેવાર પર આવી પ્રવૃત્તિ કરનારાઓ સામે પોલીસની તવાઇ ઉતરશે, પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી રાહદારીઓ પર કલર કે પાણી ભરેલા ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ મુક્યો હતો.
જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જાહેરનામા મુજબ ધુળેટીના તહેવાર દરમિયાન કોઇપણ વ્યક્તિ જાહેર જગ્યાઓ ઉપર રાહદારીઓ કે આવતા જતા લોકો પર રંગ, પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, તૈલી પદાર્થ ફેંકી શકશે નહીં તેમજ તે માટેના સાધનો પોતાની સાથે લઇ જઇ શકશે નહીં.
પોલીસ સ્થળ પર જ શાન ઠેકાણે લાવશે
તેમજ આડેધડ દોડધામ કરવા પર કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ જાહેરનામું તા.7ના રાત્રીના 12 વાગ્યાથી તા.9ના રાત્રીના 12 વાગ્યા સુધી અમલી રહેશે, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત ધુળેટીના દિવસે પોલીસ ખાનગી ડ્રેસમાં આવા તત્ત્વો પર વોચ રાખીને પ્રવૃત્તિ કરનારાઓની સ્થળ પર જ શાન ઠેકાણે લાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.