• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Savings Of Rs 100 Crore In Post Office Savings Account In Two Months, 21 Thousand Account Holders Make Fixed Deposit In The Bank

બેન્કિંગ વ્યવહારો પૂર્વવત થયા:બે મહિનામાં પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા 100 કરોડની બચત ઠલવાઇ,  બેંકમાં 21 હજાર ખાતાધારકોએ ફિક્સ ડિપોઝિટ કરાવી

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 હજારથી લઈને રૂ.20 લાખ સુધી રકમ ફિક્સ ડિપોઝિટમાં લોકો મૂકે છે

કોરોનાની બીજી લહેરમાં સારવાર અને આર્થિક ખેંચ માટે નાણાંની જરૂરિયાત ઊભી થતા રાજકોટમાં રોજની 200 જેટલી ફિક્સ ડિપોઝિટ તૂટતી હતી. પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમમાંથી પણ લોકો પોતાની બચતની રકમ ઉપાડી રહ્યા હતા. હાથ પર રોકડ રાખવાનું પ્રમાણ પણ વધ્યું હતું. આમ, નાણાકીય લેવડ-દેવડની દૃષ્ટિએ બેન્કિંગ સેગમેન્ટ પ્રભાવિત થયું હતું, પરંતુ હવે ધીમે- ધીમે આ પરિસ્થિતિ બદલાઇ છે. છેલ્લા બે મહિનામાં રાજકોટમાં 21 હજારથી વધુ ફિક્સ ડિપોઝિટ મુકાઈ છે.

જેમાં અંદાજિત રૂ.50 હજારથી લઇને રૂ.20 લાખ સુધીની રકમ મુકવામાં આવે છે. ફિક્સ ડિપોઝિટ કરવામાં સૌથી વધુ પ્રમાણ સિનિયર સિટિઝન માટેનું છે. તેમ સ્ટેટ બેન્કના ફિક્સ ડિપોઝિટના એસોસિએટ મેનેજર હર્ષલભાઇ માંકડ જણાવે છે. ઔદ્યોગિક એકમોની સંખ્યા વધી રહી છે તેમજ જે એકમો ચાલુ છે તેમને નવા ઓર્ડર મળતા હવે તેનું કદ અને મૂડીરોકાણ બન્ને વધી રહ્યા છે. એટલે કોરોના બાદ વેપાર ઉદ્યોગ માટે રૂ.1 લાખથી લઇને રૂ.6 કરોડ સુધીની લોન લેવાઈ રહી છે.

હજુ આ પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે તેમ બેન્ક મેનેજર પારસભાઈ ડોબરિયા જણાવે છે. જે તે સમયે કેશ વિડ્રોલનું પ્રમાણ વધારે હતું. તેના બદલે અત્યારે કેશ ડિપોઝિટ વધુ થઈ રહી છે. તેમજ ઓટો લોન અને હોમ લોન લેવાનું પ્રમાણ વધ્યું છે. પહેલા લોકો નાના- નાના કામ માટે પણ બેન્કે આવતા હતા તેના બદલે હવે લોકો ઓનલાઈન- ડિજિટલ બેન્કિંગ તરફ વળી રહ્યા છે. જ્યારે એક અંદાજ મુજબ બે માસમાં પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમમાં રૂ.100 કરોડની બચતની રકમ જમા કરવામાં આવી છે.

ફિક્સ ડિપોઝિટ વધવાનું કારણ, કોરોના પછી આ પરિવર્તન આવ્યું

  1. પ્રોપર્ટીનું વેચાણ થવાથી જે રકમ મળી છે તેને સુરક્ષિત રાખવા માટે લોકો ફિક્સ ડિપોઝિટને પ્રાથમિકતા આપે છે.
  2. લોકો બિનજરૂરી ખર્ચ ઘટાડી રહ્યા છે અને દિવસે- દિવસે બચતનું પ્રમાણ વધારે છે. આ બચત લાંબા ગાળા સુધી રહે, ફિક્સ આવક થાય અને સુરક્ષિત રહે તે માટે લોકો ફિક્સ ડિપોઝિટ બનાવી રહ્યા છે.
  3. ફિક્સ ડિપોઝિટમાં નાણાં રોકતા લોકો પહેલા પોતાના વારસદારનું નામ રાખતા નહિ. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ આ કારણોસર મુશ્કેલી પડી, પરંતુ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો વારસદારનું પણ નામ રાખે છે.
  4. વેક્સિનના બન્ને ડોઝ લેવાઈ ગયા છે. એટલે લોકોમાં જે ડર હતો તે ઓછો થઈ ગયો છે. હવે લાંબા ગાળાના આયોજન માટે લોકો ફિક્સ ડિપોઝિટ રાખે છે.
  5. બાળકોના અભ્યાસ ખર્ચ, લગ્ન ખર્ચ અને તાત્કાલિક ઇમર્જન્સી ખર્ચ આવે તો તેને પહોંચી વળવા માટે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી રહ્યા છે.
  6. પહેલા લોકો બેન્કમાં જઇને ફિક્સ ડિપોઝિટ કરાવતા હતા. હવે ઓનલાઈન ફિક્સ ડિપોઝિટ કરનારની સંખ્યા પણ વધી રહી છે.
અન્ય સમાચારો પણ છે...