બહેનો પગભર થાય એ માટે રાજકોટની રાણી લક્ષ્મીબાઈ શરાફી સહકારી મંડળી લિમિટેડ મહિલાઓ દ્વારા સંચાલિત છે અને મહિલાઓ માટે કામ કરે છે. જેમાં બચત પણ મહિલાઓની જ સ્વીકારાય છે અને ધિરાણ પણ મહિલોને જ અપાય છે. 2015માં આ મંડળી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં રૂપિયા 40 કરોડનું આર્થિક ધિરાણ કરી ચૂકી છે.
બહેનો પોતાના નાણાં મૂકી પણ જાય અને આ ભંડોળમાંથી જે બહેનોને જરૂર હોય તેને આર્થિક ધિરાણ પણ કરવામાં આવે છે. આ મંડળીના તમામ ડિરેક્ટરો પણ મહિલાઓ જ છે. કુલ 15 ડિરેક્ટર છે જ્યારે કર્મચારીની સંખ્યા પણ 15 છે. આ મંડળીમાંથી આર્થિક ધિરાણ મેળવીને અનેક બહેનો પગભર બની છે. તો કોઈ બહેનો પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કરી શક્યા છે.
બચત મેનેજમેન્ટ | સામાન્ય રીતે બેન્કમાંથી ધિરાણ મેળવવા માટે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડે છે, પરંતુ અહીં કોઈ એવી પ્રક્રિયા કરવી પડતી નથી. દર શનિવારે અને બુધવારે જે બહેનોને નાણાંની જરૂરિયાત છે તેમને શું કામ ને નાણાં જોઈ છે, એની પૂછપરછ કરવામાં આવે છે. ત્યાર બાદ જ તેને આર્થિક ધિરાણ કરવામાં આવે છે.
સામાજિક બદલાવ- આ મંડળીનો પાયો પુરુષે નાખ્યો, બહેનોની મુશ્કેલી ખુદ સાંભળે છે
એવું કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ મહિલાનો હાથ હોય છે, પરંતુ રાણી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી લિમિટેડમાં આ કહેવત ખોટી પડી છે. સમાજના દરેક વર્ગની મહિલાઓ આગળ આવે એ માટે આ મંડળીની શરૂઆત અશોકભાઈ સોલંકીએ કરી છે.
તેઓ મૂળ વ્યવસાયે શિક્ષક હતા. જરૂરિયાતમંદ લોકોની સેવા થાય એ માટે તેમણે આ નોકરી છોડી દીધી. ઔદ્યોગિક એકમમાં ચાલતી મંડળીના મંત્રી તરીકે ફરજ નિભાવાની શરૂઆત કરી. ત્યારે પોતાના અનુભવ પરથી તેણે જોયું કે ઉછીના લીધેલા નાણાં મહિલાઓ સમયસર પરત કરે છે પરંતુ તેને લોન, આર્થિક સહાય મેળવવા બહુ હેરાન થવું પડે છે.
અને વ્યાજે પૈસા લેવા પડે છે. આથી તેમણે આઈઓસીના પરિસરમાં મંડળીની શરૂઆત કરી. જેમાં બે મહિલાઓને લોન આપી હતી. જે બહેનો લોન લેવા આવે તેની ખુદ તે પૂછપરછ કરે છે. ત્યાર બાદ જ આર્થિક ધિરાણ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.