હિરેન ભટ્ટ :
દેશમાં આતંકવાદનું સ્વરૂપ બદલાયું છે. પહેલા સ્લિપર સેલની મદદથી બ્લાસ્ટ કરાવી આતંકી હુમલા થતા હતા, જ્યારે હવે ડ્રગ્સથી યુવાધનને ખતમ કરવાનું ષડયંત્ર રચાયું છે. એક તરફ ગુજરાતની દરિયાઇ સીમામાંથી કરોડોના ડ્રગ્સ સાથે પાડોશી દેશોના માફિયા ઝડપાઇ રહ્યાં છે.
રાજકોટ સહિતના શહેરોમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો કાળો કારોબાર
બીજી તરફ રાજકોટ સહિતના શહેરોમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો કાળો કારોબાર યુવાધનને ટાર્ગેટ બનાવી રહ્યો છે. રાજકોટમાં એટલી હદે ડ્રગ્સનું દૂષણ વકર્યુ છે કે, દર અઠવાડિયે એક નવો પેડલર ઊભો થઇ રહ્યો છે છતાં પોલીસ મૂકપ્રેક્ષક બનીને બેઠી છે. હાલ ચોરીના કેસમાં જેલમાં બંધ એક પેડલર તો એક પોલીસ કર્મચારીનું વાહન લઇને જ ઉઘરાણી કરવા જતો હતો.
ડ્રગ્સ પેડલરોના ત્રાસથી બરબાદ થયેલા પરિવારની દર્દનાક કહાની રૂંવાડા ઊભા કરી દે
ત્યારે સફેદ ડ્રગ્સના કાળા કારોબારમાં પણ પોલીસને કોઇ પરિવારની જિંદગીની નહીં પણ પોતાના આર્થિક ફાયદાની જ ચિંતા હોય તેવી સ્થિતિ છે. ડ્રગ્સ પેડલરોના ત્રાસથી બરબાદ થયેલા માત્ર બે પરિવારની દર્દનાક કહાની રૂંવાડા ઊભા કરી દે છે. આવા અનેક પરિવાર તબાહ થઇ રહ્યાં છે. જેને બચાવવા હવે વાલીઓએ જાગૃત થવાનો સમય પાકી ગયો છે.
કિસ્સો-1: આફતગ્રસ્ત પરિવાર પહેલા મોરબી ગયો પછી ધ્રોલ, વતન રાજકોટમાં પગ મૂકતાં પણ ફફડે છે
રાજકોટમાં ડ્રગ્સ પેડલરના ત્રાસથી તબાહ થયેલાં પરિવારની કરુણ દાસ્તાન હૃદય હચમચાવી દે તેવી છે. એક પિતાએ પોતાના બે દીકરાના જીવતર ઝેર થતા જોયા. એક દીકરાને ડ્રગ્સની લતે ચઢાવ્યા બાદ ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયાએ ડ્રગ્સ વેચવા પેડલર બનવા મજબૂર કરી દીધો.
ડ્રગ્સ માફિયાઓના ત્રાસથી કે દીકરો શહેર છોડી ચાલ્યો ગયો
ડ્રગ્સના વેચાણ બાદ કેટલીક જગ્યાએ રૂપિયા ફસાતાં પેડલર બનેલો દીકરો નિયત સમયમાં ડ્રગ્સ માફિયાઓને રકમ જમા ન કરાવી શકતાં એટલો ત્રાસ અપાયો કે દીકરો શહેર છોડી ચાલ્યો ગયો. પાછળથી આ ત્રાસ પરિવાર પર ગુજારવાનો શરૂ કરાયો. જેમાં બીજો દીકરો કે જે નિર્દોષ હતો, જેને ડ્રગ્સ સાથે કશા લેવા દેવા ન હતા.
ડ્રગ્સ માફિયાઓ ત્રાસ ગુજાર્યો કે અંતે આ પરિવાર રાજકોટથી હિજરત કરી ગયું
તેને આપઘાત કરવા મજબૂર થવું પડ્યું. એક દીકરો ઘર છોડી, બીજો દુનિયા છોડી જતો રહ્યો છતાં ડ્રગ્સ માફિયાઓ અટક્યા નહીં! લાચાર માતા-પિતા પર એટલો ત્રાસ ગુજાર્યો કે અંતે આ પરિવાર રાજકોટથી હિજરત કરી ગયું. પરિવારનો માળો વિખાયો, વતન પણ છૂટ્યું છતાં ડ્રગ્સ માફિયાઓનો કારોબાર બેરોકટોક ધમધમી રહ્યો છે. સુધા ધામેલિયા હાલ જેલમાં છે પરંતુ તેનો ડ્રગ્સનો ગોરખ ધંધો હજુ
શરૂ જ છે.
કિસ્સો-2 : માતા-પિતાને બે સંતાન, CA પુત્રનું મૃત્યુ, દીકરી પૂર્વ ક્રિકેટર પતિને તરછોડી પેડલરો સાથે ડ્રગ્સ વેચે છે, એક સમયે પોલીસ બનવા તૈયારી કરતી અમી આજે પેડલરો સાથે ગુમનામીના અંધકારમાં જીવી રહી છે
રાજકોટના કરણપરા વિસ્તારમાં રહેતા એક પિતા પોતાના બંને સંતાનના ભવિષ્ય માટે ફર્નિચરની દુકાનમાં ઓવર ટાઇમ કરતા હતા. બીજી તરફ ઘરે માતા બંને બાળકોના અભ્યાસ પર ધ્યાન આપતા હતાં. સીએનો અભ્યાસ કરતાં દીકરાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું અને પરિવારની ખુશીઓ છીનવાઈ ગઇ.
હવે માતા પિતા માટે માત્ર દીકરી અમી જ એકમાત્ર આશાનું કિરણ હતી. પરંતુ દીકરીના સ્ટેટ લેવલ સુધી રમેલા ક્રિકેટર સાથે લગ્ન બાદ સુધા ધામેલિયાની ડ્રગ્સની ચુંગાલમાં એવી ફસાઇ કે, પતિને તરછોડી પેડલરોની ટોળકી સાથે જુદીજુદી હોટેલમાં રહીં ગુમનામીની જિંદગી જીવી રહી છે.
જુવાનજોધ દીકરાનું મૃત્યુ અને દીકરી ડ્રગ્સના અંધકારમાં ધકેલાઇ જતાં તેના માતા પિતાનું જીવન પણ અંધકારમય બની ગયું છે. રૂંવાડા ઊભા કરી દે તેવી આ કહાની આશાસ્પદ વિદ્યાર્થિનીમાંથી પેડલર બની ગયેલી અમીની છે. તે થોડા દિવસ આકિબ સાથે રહે છે તો થોડા દિવસ વેબ સિરિઝની હીરોઇનના ભાઇ સાથે ફરે છે. પોલીસ ગંભીરતા નહીં લે તો અનેક માતા-પિતાના સંતાનો અમીની જેમ નશાખોરીના દલદલમાં ખૂંપી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.