ભાદરવો ભરપૂર:સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ઓવરફ્લો, 8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, 22 ગામોને એલર્ટ કરાયા

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જળાશયોમાં નવાનીરની નોંધપાત્ર આવક - Divya Bhaskar
જળાશયોમાં નવાનીરની નોંધપાત્ર આવક
  • ભાદર ડેમ પીવાના પાણી ઉપરાંત સિંચાઇ માટે પણ આશીર્વાદરૂપ

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાદરવી પૂનમ થી શરૂ થયેલ વરસાદ સતત ત્રણ દિવસથી અવિરત વરસી રહ્યો છે. અવિરત વરસાદના પગલે રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયોમાં નવાનીરની નોંધપાત્ર આવક થવા પામી છે. તેમાં પણ ખાસ કરી રાજકોટ શહેરને પાણી પૂરું પડતા આજી ન્યારી અને ભાદર એમ કુલ ત્રણે ડેમમાં પૂરતા પ્રમાણમાં આવક થતા રાજકોટ વાસીઓનું જળ સંકટ તણાઈ ગયું છે. રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના પગલે ઉપરવાસમાં પડી રહેલા વરસાદ થી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોરો ભાદર 1 ડેમ પણ ઓવરફ્લો થતા ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.

7000 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું
શ્રાવણ માસ પૂરો થયા બાદ ભાદરવામાં ભરપૂર વરસાદે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પગલે એક ઝાટકે 60થી વધુ ડેમમાં જળ સપાટી ઉપર આવતા જળ સંકટ તણાઇ ગયું છે. ભાદર ડેમમાં સતત ધીમે ધીમે પાણી આવક ચાલુ રહેતા હાલ ડેમની સપાટી છલોછલ જોવા મળી રહી છે. ગોંડલ નજીક આવેલ ભાદર-1 ડેમની સપાટી રાત્રીના સમયે 34 ફૂટે પહોંચી જતા ડેમ છલોછલ જોવા મળી રહ્યો છે. સતત બીજા વર્ષે ભાદર ડેમ ભાદરવે ભરપૂર છલોછલ થતા રાત્રીના સમયે તંત્ર દ્વારા ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. અને ડેમમાં હાલ 27000 ક્યુસેક પાણીની આવક સામે 7000 ક્યુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે.

હેઠવાસના તમામ ગામોને એલર્ટ કરાયા
ભાદર ડેમ આસપાસ અને ઉપરવાસમાં વરસાદ પગલે ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી 8 દરવાજા ખોલી 7000 ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા ભાદર ડેમ હેઠળ આવેલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, નવાગામ, ખંભાલીડા, જેતપુરના મોણપર, ખીરસરા, જેતપુર દેરડી, નવાગઢ રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી, વસાવડા, જામકંડોરણાના તરાવડા, ઈશ્વરીયા, ધોરાજીના વેગડી, ભૂખી, ઉમરકોટ, સહિતના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને લોકોને ડેમની ઓવરફ્લો સાઈડ કે નદી તરફ ન બિનજરૂરી કામ વગર ન જવા અપીલ કરવામાં આવી છે.

ભાદર ડેમ આશીર્વાદરૂપ
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-1 ડેમ ભરભાદરવે ભરપૂર થઈ આખરે ઓવરફ્લો થયો છે. ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. જેથી નીચાણવાળા 22 ગામના લોકોને એલર્ટ કરી દેવાયા છે. બીજી તરફ જોઈએ તો ભાદર ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ તેમજ જેતપુરને આવતા ચોમાસા સુધી પીવાનું પાણી આપી શકાશે. જ્યારે 11 હજાર હેક્ટરમાં રવી પાકને 4થી 5 પાણ આપી શકાશે. ઉલ્લેખનીય છે કે ભાદર ભળ ભાદર એવો આ રસાતાળ ડેમ રાજકોટ ઉપરાંત જેતપુર અને ગોંડલ પંથકમાં પીવાના પાણીની જરૂરિયાતની સાથે ખેતી માટે પણ મુખ્ય આધારસ્તંભ છે. ભાદર ડેમ ભૌગોલિક સ્થિતિએ રકાબી આકારે હોય ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થાય છે. જેના લીધે આસપાસની નદીઓ અહીં ડેમમાં ઠલવાતી હોય છે માટે સિંચાઇમા પણ ભાદર ડેમ આશીર્વાદરૂપ માનવામાં છે.

( તસવીર: દિપક મોરબીયા, વીરપુર)