વિદેશ વ્યાપાર પ્રભાવિત:કન્ટેનરના ભાડામાં વધારો થતા યુરોપમાં સૌરાષ્ટ્રના સીંગદાણાનો વ્યાપાર 40% ઘટ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીંગતેલમાં ચાઈનાની ખરીદી નહીં નીકળતા 80 ટકા એક્સપોર્ટ ઓછું

સૌરાષ્ટ્રના સીંગદાણા અને સીંગતેલની ડિમાન્ડ આખા વિશ્વમાં રહે છે. સીંગતેલમાં સૌથી મોટું ખરીદાર ચાઈના છે. ગત વખતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ચાઈનાએ 2 લાખ 25 હજાર ટન સીંગતેલની ખરીદી કરી હતી. પરંતુ આ વખતે હજુ ખરીદી નહીં નીકળતા 80 ટકા વ્યાપાર ચાઇના સાથે ઓછો નોંધાયો છે. જ્યારે કન્ટેનરના ભાડા વધવાને કારણે યુરોપ સાથે 40 ટકા વ્યાપાર ઘટ્યો હોવાનું સોમાના પ્રમુખ કિશોરભાઈ વીરડિયાઅે જણાવ્યું હતું. આ અંગે એક્સપોર્ટરો વધુ માહિતી આપતા જણાવે છે કે, સામાન્ય રીતે ચાઇનાની ખરીદી નવેમ્બર માસના અંતથી જ શરૂઆત થઇ જાય છે.

પરંતુ આ વખતે અડધો ડિસેમ્બર વીતી ગયો હોવા છતાં કોઈ ખરીદી નીકળી નથી. સીંગતેલમાં સૌથી વધુ ખરીદી ચાઈનાની હોય છે. જ્યારે સૌરાષ્ટ્રના સીંગદાણા યુરોપમાં સૌથી વધુ એક્સપોર્ટ થાય છે. જે કન્ટેનરનો ભાડુ 700 ડોલર હતું તેનું ભાડુ અત્યારે 7 હજાર ડોલર થઈ ગયું છે. આટલા ઊંચા ભાડામાં એક્સપોર્ટ કરવું કોઈ એક્સપોર્ટરોને પોસાતું નથી જેને કારણે હાલ તેની સાથે વિદેશ વ્યાપાર ઘટ્યો છે. વિદેશના ઠંડા પ્રદેશોમાં સૌરાષ્ટ્રના સીંગદાણાનો સૌથી વધુ વપરાશ થાય છે. જે દાણા હોય છે તેમાં કાઉન્ટ એટલે કે ઉતારા ત્રણ પ્રકારના હોય છે જેમાં 50 થી 60 ટકા 60 થી 70 ટકા અને એક જનરલ કેટેગરી હોય છે.

પરંતુ આ વખતે મગફળીમાં કાઉન્ટ 35થી 36 જ આવે છે અને આ કાઉન્ટના દાણા વિદેશમાં ચાલે નહીં, જેને કારણે સીંગદાણામાં વિદેશ વ્યાપાર ઘટ્યો છે. એક્સપોર્ટ ઘટવાને કારણે ઘરઆંગણે હાલ તેલના ભાવમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ભાવ ઘટી રહ્યા છે તો બીજી તરફ ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ રૂ.990 થી 1162 સુધી પહોંચ્યો છે.

જ્યારે ટેકાના કેન્દ્રમાં રૂ. 1110ના ભાવે મગફળીની ખરીદી થાય છે. આમ, હાલ ટેકાના ભાવ અને ખુલ્લા બજારમાં ખરીદી ભાવ એકસરખા હોવાથી પડતર કિંમત પણ નીચી જઇ રહી છે જેને કારણે સીંગતેલ લુઝના ભાવ રૂ. 1250 સુધી પહોંચ્યા છે અને ડબ્બાના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી દૈનિક રૂ. 10 થી 20ના ભાવની વધઘટ જોવા મળે છે.

શુક્રવારે ગુરૂવારની સરખામણીએ રૂ. 10નો ભાવવધારો થયો હતો. જ્યારે કપાસિયા તેલના ભાવ ટકેલા રહ્યા હતા અને તેલનો ડબ્બો રૂ.2090 ભાવે પહોંચીને સ્થિર થયો હતો.દર વર્ષે આ સમયગાળામાં સિંગતેલમાં ચિન તરફથી મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. પરંતુ તેની સરખામણીએ આ વખતે હજુ ખરીદી નીકળી જ નથી. વિદેશમાં વેપાર કરતા વેપારીઓ પણ અલગ-અલગ ગણિત માંડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...