સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની મુશ્કેલી વધી રહી છે. હાલ સૌરાષ્ટ્રના 141 ડેમ 74 ટકા ખાલી થઇ ગયા હોઇ, દ્વારકા જિલ્લામાં સૌથી ઓછું 2.64 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે, તો બાટાદ જિલ્લામાં 5.59 અને જામનગર જિલ્લામાં માત્ર 18.05 ટકા જ જળરાશિ બચી છે. રાજકોટ જિલ્લાના છેવાડાના ગામોમાં ટેન્કરના ફેરા શરૂ થઇ ગયા છે, હાલ છેવાડાના 23 ગામડાંમાં ટેન્કરના 96 ફેરા દ્વારા કુલ 9.50 લાખ લિટર પાણીનું વિતરણ શરૂ કરી દેવાયું છે.
સૌરાષ્ટ્રના 141 ડેમમાં 26 ટકા જ પાણી બચ્યું છે, 70 ટકાથી વધુ ડેમ ખાલી થવા તરફ હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના 25 ડેમ પૈકી 7 ડેમમાં જળરાશિ 10 ટકાથી પણ ઓછી થઇ ગઇ છે. સરકારની સૂચના મુજબ ડેમનું પાણી પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા પંથકની સ્થિતિ સૌથી વધુ વિકટ છે. જિલ્લાના જળાશયોમાં માત્ર 2.64 ટકા જ પાણીનો જથ્થો છે. ઘી સહિતના ડેમમાં તળિયા દેખાઇ ગયા છે. બોટાદ જિલ્લામાં 5.59, જામનગરમાં 18.05, અમરેલીમાં 29.64, ભાવનગરમાં 31.70, ગીર સોમનાથમાં 38.14, જામનગરમાં 18.05, જૂનાગઢમાં 20.65, મોરબીમાં 28.55, પોરબંદરમાં 20.10 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 19.81 ટકા પાણીની જળરાશિ બચી છે.
રાજકોટ જિલ્લાના ગામડાંમાં ટેન્કરના 96 ફેરા
રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડાંઓમાં ટેન્કર યુગ શરૂ થઇ ગયો છે. છેવાડાના ગામડાંઓમાં ગુંદાળા, જીવાપર, ગારિડા, નવાગામ (બામણબોર), કુવાડવા, ઢાંઢિયા, હિરાસર, પારેવડા, રામપરા, માલિયાસણ, વિરડા વાજડી, બારવણ, લાપાસરી, મહિકા, મેટોડા, ચીભડા, મનહરપુર રોણકી તથા વીંછિયા સહિતના 23 ગામડાંમાં ટેન્કરના 96 ફેરા દ્વારા અંદાજે 9.50 લાખ લિટર પાણીનું વિતરણ શરૂ કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.