હવામાન:સૌરાષ્ટ્રમાં 3 દી’માં 5 ઈંચ સુધીનો વરસાદ પડશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર આગળ વધતા વરસાદ માટે સાનુકૂળ પરિબળ
  • આ સિસ્ટમ બાદ 8મીથી નવી સિસ્ટમ સર્જાતા વરસાદ સતત ચાલુ રહેશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો છવાયા છે. જોકે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાતા ફરીથી આશા બંધાઈ છે. આ અંગે વેધર એક્સપર્ટે પણ આગામી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી કરી છે. જામનગર જિલ્લામાં છૂટોછવાયો અડધો ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યું છે જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ કારણે મંગળવાર રાત્રીથી 48 કલાક સુધી વરસાદ પડી શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર સારો વરસાદ પડશે જ્યારે બાકીના વિસ્તારમાં ઓછામાં ઓછા એક ઇંચથી શરૂ કરીને 5 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ જ નહિ પણ આગામી સમયમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ પણ બને તેવા એંધાણ છે તે 8 તારીખે સ્પષ્ટ થશે અને તે સિસ્ટમ બને તો તે પણ સૌરાષ્ટ્ર પર વરસાદ લાવશે આગામી 10 દિવસ સુધી વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે તેવી શક્યતા છે.ગોંડલના દેરડી કુંભાજી, મોટી ખિલોરી, પાટ ખિલોરી, ધરાળા, રાવણા, વાંસાવડ, શિવરાજગઢ સહિત વિસ્તારોમાં ભારે વરસાજ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં હળવા ઝાપટાં પડ્યા હતા.

રાજકોટમાં સિઝનનો 20 ઈંચ વરસાદ
રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ 20 ઈંચ(526 મીમી) વરસાદ પડ્યો છે. જોકે આ માત્ર સેન્ટ્રલ ઝોનના જ આંક છે. શહેરના અન્ય વિસ્તારો જેમ કે વેસ્ટ ઝોનમાં 476 મીમી જ્યારે સૌથી ઓછો ઈસ્ટ ઝોનમાં 459 મીમી વરસાદ નોંધાયો છે.

તાઉતેને કારણે પહેલો વરસાદ 17 મેના આવ્યો, છેલ્લા 7 દિવસ કોરા
રાજકોટ શહેરમાં સિઝનનો પહેલો વરસાદ જુલાઈ માસમાં 10થી 15 તારીખ દરમિયાન આવતો હોય છે. જોકે આ વર્ષે તે 17મી મેએ આવી ગયો હતો કારણ કે, આ વરસાદ તાઉતે વાવાઝોડાને કારણે આવ્યો હતો. બાદમાં વરસાદ ખેંચાયો હતો અને તબક્કાવાર પડ્યો હતો. જો ચોમાસું હજુ ખેંચાશે તો સપ્ટેમ્બર માસના અંત સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...