માનસિક સધિયારો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને 81 હજાર લોકોનું કાઉન્સેલિંગ, 126થી વધુ સર્વે કરવાનો રેકોર્ડ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને કોરોનાકાળ દરમિયાન કરેલી કામગીરીથી ન માત્ર રાજકોટના પણ સૌરાષ્ટ્રના અનેક લોકોને માનસિક સધિયારો મળ્યો છે, કેટલાકને કાઉન્સેલિંગથી નવી જિંદગી પણ મળી છે. કોરોનાકાળ દરમિયાન 81 હજાર લોકોનું કાઉન્સેલિંગ કર્યું અને 126થી વધુ સર્વે અને આર્ટિકલ કરી રેકોર્ડ સર્જ્યો છે.

ઉપરાંત ફેબ્રુઆરી-2020માં બે દિવસીય રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવા બદલ પણ મનોવિજ્ઞાન ભવનને રેકોર્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. આમ એકસાથે બે રેકોર્ડ સર્જ્યાનું પ્રમાણપત્ર મનોવિજ્ઞાન ભવનને 7 ઓગસ્ટને શનિવારે એનાયત કરવામાં આવનાર છે.

મનોવિજ્ઞાન ભવન દ્વારા માર્ચ-2020થી કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 81 હજાર લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 126 મનોવૈજ્ઞાનિક આર્ટિકલ અને સર્વે કરવામાં આવ્યા છે. આ બંને સિધ્ધિ બદલ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા મનોવિજ્ઞાન ભવનને સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત મનોવિજ્ઞાન ભવન દ્વારા ફેબ્રુઆરી-2020માં બે દિવસીય રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની 97 કોલેજના 1 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મેળામાં 54 મંડપમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, આપઘાત નિવારણ, ડિપ્રેશન, ચિંતા, અગ્રેશન સહિતનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં મનોવિજ્ઞાનને લગતા આવા એક જ મેળાનું અત્યાર સુધીમાં આયોજન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...