પુસ્તકો ખરીદાશે:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આઠ લાખના પુસ્તકો ખરીદશે, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની વિદ્યાર્થીઓમાં માંગ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં પુસ્તકોની ખરીદી થઇ ન હતી, હવે ભવનોમાંથી ક્યાં પુસ્તકોની જરૂર છે તેનો ડેટા મગાવી નવા પુસ્તકો ખરીદાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી ન હતી પરંતુ હવે સ્થિતિ કાબૂમાં છે ત્યારે યુનિવર્સિટી આગામી દિવસોમાં 8 લાખના પુસ્તકોની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરશે. આગામી દિવસોમાં દરેક ભવનને સેન્ટ્રલ લાઇબ્રેરીમાંથી પત્ર લખીને તેમને ક્યાં ક્યાં પુસ્તકોની જરૂર છે તેનું લિસ્ટ મગાવવામાં આવશે અને ત્યારબાદ જુદા જુદા કોર્સના પુસ્તકોની ખરીદી કરવામાં આવશે.

જોકે યુનિવર્સિટીમાં પીજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની પણ ખૂબ માંગ વધી છે. યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યાં છે ત્યારે નિયમિત રીતે લાઇબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના પણ જુદા જુદા પ્રકાશનોના પુસ્તકોની માંગ કરી રહ્યાં છે. યુનિવર્સિટીના દરેક ભવનને પોતાને ક્યાં ક્યાં વિષયના પુસ્તકોની જરૂર છે તેનો ડેટા મગાવ્યા બાદ દરેક ભવનના પુસ્તકો એકસાથે ખરીદી કરાશે.

ભવનોની સાથે વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે પુસ્તકો મગાવીશું
સામાન્ય રીતે દર વર્ષે યુનિવર્સિટીના ભવનો પોતાને જેટલા પુસ્તકોની જરૂર હોય તેટલા પુસ્તકોનું લિસ્ટ લાઇબ્રેરીને મોકલે છે અને તે પ્રમાણે ખરીદી થાય છે પરંતુ હાલ વિદ્યાર્થીઓમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની ડિમાન્ડ વધી છે તેથી વિદ્યાર્થીઓની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવાશે. > નિલેશ સોની, પરીક્ષા નિયામક અને ઇન્ચાર્જ ગ્રંથપાલ

1 લાખથી વધુ પુસ્તકો, સૌથી જૂનું વર્ષ 1907નું પુસ્તક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં હાલ 1 લાખથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે જેનો વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત હાલ આ યુનિવર્સિટીમાં સૌથી જૂનું પુસ્તક વર્ષ 1907નું છે. આ પુસ્તક કેમિસ્ટ્રી વિષયનું સૌથી જૂનું હોવાનું માનવામાં આવે છે.

લાઇબ્રેરીમાં અતિ જૂના પુસ્તકો ભવનોને સોંપી દેવાય છે
લાઇબ્રેરીમાં અત્યાર હાલ 100 વર્ષથી વધુ સમય જૂના પુસ્તકો ઉપલબ્ધ છે. પુસ્તકો જેમ જેમ જૂના થતા જાય તેમ તેની જાળવણી પણ મુશ્કેલ બનતી જાય છે તેથી યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા અતિ જૂના પુસ્તકો પસ્તીમાં જવા દેવાને બદલે જે-તે ભવનને વિષય પ્રમાણે સોંપી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...