તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂપિયાનો ધુમાડો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નેકના સ્વાગત માટે બે માસમાં 94 લાખ ખર્ચ્યા!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્યુટીફિકેશન, મિસ્ત્રીકામ સહિતના કામમાં થયેલા ખોટા ખર્ચથી સિન્ડિકેટ સભ્યો નારાજ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં નેક પાછળ કરાયેલા લાખોના ખર્ચને બહાલી આપવા મુદ્દે કેટલાક સિન્ડિકેટ સભ્યોએ નારાજગી દર્શાવી બહાલી આપવા ઇનકાર કરી દીધો હતો.

નેક ઇન્સ્પેક્શન અગાઉ બે મહિના દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બ્યુટીફિકેશન, રંગ-રોગાન, ફર્નિચર રિપેરિંગ, મિસ્ત્રીકામ, લાદી-બારી રિપેરિંગ, સિવિલ પરચૂરણ કામગીરી, પડદા રિપેરિંગ સહિતના જુદા જુદા પરચૂરણ કામ પાછળ અધધ 94 લાખ રૂપિયા ખર્ચી નાખતા કેટલાક સિન્ડિકેટ સભ્યો નારાજ થયા છે.

નેકની આગતા સ્વાગતા માટે કરાયેલો ખર્ચો 1 કરોડ સુધી પહોંચવા આવ્યો છતાં યુનિવર્સિટીને ‘બી’ ગ્રેડ મળ્યો. આ તમામ બાબતો અવ્યવસ્થા, આંતરિક ખેંચતાણને કારણે થઇ હોવાનું અને યુનિવર્સિટીએ ગ્રેડ ગુમાવવો પડ્યો હોવાનું પણ નિષ્ણાતો જણાવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી માસમાં આવેલી નેકની ટીમની આગતા સ્વાગતા કરવા માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ લાલ જાજમ બિછાવી હતી. બ્યુટીફિકેશન, કલરકામ સહિતના જુદા જુદા કામથી યુનિવર્સિટીને બહારથી સુંદર દેખાડવા લાખો રૂપિયાનો ખર્ચ કરવા સામે પાછીપાની કરી ન હતી. દરેક ભવન, મુખ્ય બિલ્ડિંગ સહિત ખૂણે ખૂણે અત્યાર સુધીમાં જે કામો થયા ન હતા, કેટલાક બિનજરૂરી પણ હતા તેવા તમામ કામો નેકના બહાને મંજૂર કરાવી અત્યાર સુધીમાં 94 લાખથી વધુનો ધુમાડો કરી દેવાયો છે અને આટલા નાણાં ખર્ચવાના પરિણામ સ્વરૂપે યુનિવર્સિટીને મળ્યો માત્ર ‘બી’ ગ્રેડ!

નવી વસ્તુ જેટલો ખર્ચો પ્લમ્બિંગ પાછળ કર્યો!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનો, મુખ્ય બિલ્ડિંગ, હોસ્ટેલ, ગેસ્ટહાઉસ સહિતની જગ્યાએ માત્ર પ્લમ્બિંગ પાછળ એટલો ખર્ચો કરી નાખ્યો કે તેટલી કિંમતમાં નવી વસ્તુ ખરીદી શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માત્ર પ્લમ્બિંગ કામગીરી પાછળ જ 4.52 લાખનો ખર્ચ કર્યો છે. આ ઉપરાંત બ્યુટીફિકેશન માટે મગાવેલા જુદા જુદા છોડ પાછળ પણ 2.50 લાખથી વધુનો ખર્ચ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...