નવી પહેલ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર વર્ષે વિદ્યાર્થીઓને રૂ. 10થી 30 હજાર પગારની નોકરી અપાવશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દેશની અલગ અલગ કંપનીઓ સાથે ટાઈ-અપ કર્યા બાદ ભરતી મેળો યોજીને ક્ષમતા મુજબ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેટર અપાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને નોકરી અપાવવાનું માધ્યમ બનશે. આગામી જાન્યુઆરી મહિનાથી આ અંગેની કાર્યવાહી શરૂ થશે અને મે મહિનામાં પૂરી થઈ જશે. ત્યારબાદ દર વર્ષે અંતિમ વર્ષમાં વિદ્યાર્થી ઉત્તીર્ણ થશે તેઓને ક્ષમતા અને કૌશલ્ય મુજબ રૂપિયા 10થી 30 હજારના પગારની નોકરી અપાવશે. આ માટે દેશની અલગ અલગ કંપનીઓ સાથે ટાઈ-અપ કરવામાં આવશે અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ જે વિદ્યાર્થીની જેવી સ્કિલ હશે અને વિદ્યાર્થી જે સેગમેન્ટમાં જવા માગતો હશે તેમાં નોકરી અપાવવામાં દરેક બાબતે યુનિ. મદદરૂપ થશે.

કેમ્પસમાં દરવર્ષે ભરતીમેળો યોજાશે
આ અંગે વધુમાં માહિતી આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષે અંદાજે 60 હજાર વિદ્યાર્થી છેલ્લા વર્ષમાં ઉત્તીર્ણ થાય છે આ તમામ વિદ્યાર્થીઓમાંથી જેઓ નોકરી કરવા ઈચ્છુક હશે તેઓને હવે પછીથી એટલે કે આગામી મે 2021માં નોકરી અપાવવાનું બીડું યુનિવર્સિટી ઝડપશે. જેમ કે, કોઇ વિદ્યાર્થીને પ્લાસ્ટિકની ફેક્ટરીમાં નોકરી મેળવવી હોય અને વિદ્યાર્થી ક્લાર્ક અથવા તો ટેક્નિકલ બાબતનો જાણકાર હશે તો તેને તેની કૌશલ્ય મુજબની નોકરી અપાવવામાં આવશે. આ માટે યુનિ. કેમ્પસ ખાતે ભરતીમેળો પણ દર વર્ષે યોજાશે તેમજ નોકરી માટે ઓનલાઈન પ્રક્રિયા પણ કરી શકાશે. આ માટે તમામ બાબતોને આવરી લઈને પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 2021 સુધીમાં એક્શન પ્લાન પૂરો કરી લેવાશે અને મે 2021થી અમલવારી શરૂ કરી દેવાશે.

6 હજાર કંપનીનો સંપર્ક કરાશે
ડો. રૂપાણીએ જણાવ્યું હતું કે, 6 હજાર કંપનીનો સંપર્ક કરાશે અને 100 અલગ-અલગ કેટેગરી રાખવામાં આવશે. એક કેટેગરીમાં 10 વિદ્યાર્થીને નોકરી અપાવવાનો લક્ષ્યાંક રખાશે. ત્યારબાદ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ સાથે મળીને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિના ભરતી મેળો અને બાકીની પ્રક્રિયા કરાશે. મોડામાં મોડી મે મહિના સુધીમાં વિદ્યાર્થીને તાલિમ લીધા બાદ નોકરી મળી જાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

200 વિદેશી વિદ્યાર્થી યુનિ.માં અભ્યાસ કરી શકે તે માટે હોસ્ટેલ, કેન્ટીન અને ક્લાસરૂમની સુવિધા વધારાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ પી.જી. ભવનોમાં હાલ માંડ 20થી 25 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ નવા શૈક્ષણિક સત્રથી એટલે કે 2021થી કુલ 200 વિદેશી વિદ્યાર્થીઓ અને તેમાં પણ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાંથી વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન મેળવે તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ માટે સૌ પ્રથમ તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવશે જેમાં હોસ્ટેલ, કેન્ટીન અને ક્લાસરૂમ ફાઈવ સ્ટાર કેટેગરીના બનાવવામાં આવશે તેમજ સારું ઈંગ્લિશ બોલી અને લખી શકતા પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે. જેથી કરીને વિદેશી વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશનમાં કોઇ સમસ્યા નડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...