સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી તથા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવ્યા હતા. જેમાં સિન્ડકેટ સભ્યો, સેનેટ સભ્યો, વિવિધ કોલેજોના આચાર્યો, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્યો, સ્પોર્ટ્સ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાએ MOU સાઈન કર્યા હતા. આ MOUમાં મુખ્યત્વે જોઈન્ટ રિસર્ચ પ્રોજેક્ટ, કોન્ફરન્સ, સ્ટુડન્ટ એક્સચેન્જ એક્ટિવિટી, વોકેશનલ સ્પોર્ટસ કોર્ષીસ, એડવેન્ચર સ્પોર્ટ્સ જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ફીટ ઈન્ડિયા ક્લબની સ્થાપના કરાઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરહંમેશ વિદ્યાર્થીઓની ચિંતા કરે છેઃ ઉપકુલપતિ
આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફીટ ઈન્ડિયા મુવમેન્ટના ભાગરુપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ફીટ ઈન્ડિયા ક્લબની સ્થાપના કરાઈ હતી. સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌપ્રથમ આ ક્લબની સ્થાપના કરનાર યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ હરહંમેશ વિદ્યાર્થીઓની ચિંતા કરે છે. આપણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી સ્વસ્થ રહે, ફીટ રહે, નીરોગી રહે એ માટે સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે આજરોજ વિવિધ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે MOU કરવામાં આવ્યા છે. કોરોનાના કપરા કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવી કર્મચારીઓના સ્વાસ્થ્યની સતત ચિંતા કરી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિવિધ નવા પ્રોજેક્ટસ સ્પોર્ટ્સ હોસ્ટેલ, યોગા હોલ, નોનટીચિંગ સ્ટાફ ક્વાટર્સ, અતિ આધુનિક લાઈબ્રેરીનો પાયો નાખવા જઈ રહ્યા છીએ.
સમગ્ર ગુજરાતની જનતા ફીટ રહે એ માટે મારે કાર્ય કરવાનું છેઃ ડો.અર્જુનસિંહ રાણા
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી, અધ્યાપક, આચાર્ય અને હાલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કુલપતિ છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે આજે MOU થયા તેનો ખૂબ આનંદ છે. ગુજરાત સરકારે મારા પર વિશ્વાસ મૂકી મને સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું સુકાન સોંપ્યું છે સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફીટ ઈન્ડિયા મુવમેન્ટના ગુજરાત રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ જવાબદારી સોંપી છે. ત્યારે સમગ્ર ગુજરાતની જનતા ફીટ રહે એ માટે મારે કાર્ય કરવાનું છે. રાણાએ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ તથા ફીટ ઈન્ડિયા ક્લબની સમગ્ર માહિતી અને પ્રતિ માસનું કેલેન્ડર અનુસાર કાર્યની વિસ્તૃત માહિતી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.