સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે યુનિવર્સિટી સંલગ્ન બી.એડ. કોલેજોના ટ્રસ્ટીઓની ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં બી.એડ. કોલેજોમાં ચાલી રહેલા ઘેરબેઠાં બી.એડ. કરાવવાના દૂષણ બંધ કરવા, ઊંચી ફી વસૂલવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ બેઠકમાં જે કોલેજો આવું કરી રહી છે તેની સામે દાખલારૂપ કડક કાર્યવાહી તો કુલપતિએ કરી ન હતી પરંતુ હવે બી.એડ. કોલેજો માટે કેટલાક નિયમો આ મિટિંગમાં ઘડ્યા છે.
બી.એડ. કોલેજોના ટ્રસ્ટીઓની બેઠકમાં FRCએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી કોઈ કોલેજ વસૂલી શકશે નહીં. આ ઉપરાંત દરેક બી.એડ. કોલેજોએ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત પૂરવી અને તે હાજરીનો ડેટા દર 15 દિવસે કોલેજની વેબસાઈટ પર ઓનલાઈન અપલોડ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ કોલેજમાં જે પ્રાયોગિક કાર્યો કરે છે તેની પણ નોંધપોથી બનાવવી અને યુનિવર્સિટીનું જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે તે રજૂ કરવા નિર્ણય કર્યો છે. કુલપતિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 41 બી.એડ. કોલેજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડૉ. નિદત બારોટે જણાવ્યું હતું કે, બી.એડ. કોલેજોની એફઆરસી પ્રમાણેની ફી લગભગ 32થી 42 હજાર સુધી પ્રતિવર્ષ છે. તેનાથી વધુ ફી કોલેજો વસૂલી નહીં શકે તેવી સૂચના આપી છે. હાલ કોલેજોએ સોફ્ટવેરમાં ઓનલાઈન દર 15 દિવસે વિદ્યાર્થીઓની હાજરી પૂરવાની રહેશે જેનું પણ યુનિવર્સિટી ચેકિંગ કરશે.
કોલેજોએ ક્યો વિદ્યાર્થી હાજર છે અને ક્યો ગેરહાજર છે તેની દરરોજની હાજરી અપડેટ રાખવી પડશે. કોલેજોમાં ચાલતા પ્રાયોગિક કાર્યો જેવા કે માઈક્રો ટીચિંગ, એકમ પાઠ, છૂટા પાઠ, સેતુ પાઠની પણ નોંધપોથી રાખવી પડશે. દરેક કોલેજના પ્રોફેસરે આ નોંધપોથીમાં દરરોજ સહી કરવી પડશે. યુનિવર્સિટી જ્યારે ઇન્સ્પેક્શન કરાવે ત્યારે દરેક કોલેજોએ તે બતાવવી પડશે.
ઓગસ્ટમાં બી.એડ.નું નવું સત્ર શરૂ થાય ત્યારથી નવા નિયમો અમલી થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સોમવારે બી.એડ. કોલેજો માટે વિદ્યાર્થીઓની હાજરી, નોંધપોથી, એફઆરસી પ્રમાણેની ફી સહિતના જે નિયમો નક્કી કર્યા છે તે આગામી ઓગસ્ટ માસથી નવું સત્ર શરૂ થશે ત્યારથી અમલી રહેશે. હાલ બી.એડ. કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. નવા સત્રથી નવા નિયમો અમલી થશે.
યુનિવર્સિટીમાં કાલે B.Ed.કોલેજોના આચાર્યોની પણ બેઠક બોલાવી
સોમવારે યુનિવર્સિટીમાં બી.એડ. કોલેજોના ટ્રસ્ટીઓની બેઠક બોલાવ્યા બાદ હવે આગામી તારીખ 27 જુલાઈને બુધવારે તમામ બી.એડ. કોલેજોના આચાર્યોની પણ મિટિંગ બોલાવવામાં આવી છે જેમાં દરેક આચાર્યએ પોતાની કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી કેમ પૂરવી, ઓનલાઈન ડેટા કેમ અપલોડ કરવો, નોંધપોથીમાં કઈ કઈ બાબતો સમાવવી સહિતની બાબતો અંગે ચર્ચા કરી આચાર્યોને જરૂરી સૂચના અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.