કામીગીરી:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 મહિનામાં 8828 RT-PCR ટેસ્ટ થયા, 17 લાખનો ખર્ચ, ખાનગીમાં કર્યા હોત તો 61 લાખનો ખર્ચ થાત

રાજકોટ3 મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે.
  • બે ટેકનિશિયન અને એક હેલ્પરની મદદથી બાયો સાયન્સ વિભાગમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે

કોરોનાની બીજી ઘાતક લહેર શરૂ થતાં કોરોનાના RT-PCR ટેસ્ટ કરાવવા પણ લાઇનો લાગતી હતી અને વેઇટિંગ જોવા મળતું હતું. તે સમયે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 18 એપ્રિલના રોજ RT-PCR ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી. અને લગભગ 25 એપ્રિલ બાદ RT-PCR ટેસ્ટની શરૂઆત યુનિવર્સિટીમાં કરી દેવામાં આવી હતી. ત્યારથી આજ દિવસ સુધી 17 લાખથી વધુ ખર્ચ સાથે 8828 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો આ તમામ લોકોએ ખાનગીમાં ટેસ્ટ કરાવ્યા હોત તો 61,79,600 રૂપિયા ખર્ચ થયો હોત.

રીએમ્બસમેન્ટ માટે કુલપતિ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન 18 એપ્રિલના રોજ RT-PCR ટેસ્ટ માટે મંજૂરી મળ્યા બાદ મશીનરી, ટેસ્ટિંગ કીટ, ડીપફ્રીઝ સહિત વસ્તુ વસાવી બે ટેકનિશિયન અને એક હેલ્પર મદદથી બાયો સાયન્સ વિભાગ ખાતે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજ દિવસ સુધી અંદાજીત 17 લાખથી વધુનો ખર્ચ થયો છે. અને આ તમામ ખર્ચના રીએમ્બસમેન્ટ માટે કુલપતિ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

કુલપતિ નીતિન પેથાણી.
કુલપતિ નીતિન પેથાણી.

રોજ 150થી 200 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજ દિવસ સુધીમાં યુનિવર્સિટી બાયો સાયન્સ વિભાગ દ્વારા 8828 સેમ્પલના કોરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આજે પણ છેલ્લા એક મહિનાથી બીજી લહેર પુરી થતા હજુ પણ ટેસ્ટિંગ લેબ ખાતે એવરેજ 150થી 200 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં કરેલા 5000 જેટલા ટેસ્ટ પૈકી માત્ર એક કેસ પોઝિટિવ જાહેર થયો છે. જે ગત તારીખ 23 જુલાઇના રોજ લેવાયેલી 258 સેમ્પલ પૈકી એક હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટિંગ લેબ ખાતે બે ટેકનિશિયન અને એક હેલ્પર રાખવામાં આવ્યા છે. જેને મહિને 55 હજારનો પગાર ચૂકવવામાં આવે છે. જે આજે પણ રાતના 10 વાગ્યા સુધી હાજરી રહી સેમ્પલનું પરીક્ષણ કરી રહ્યાં છે.