રાજકોટના સમાચાર:સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી રેગ્યુલર-રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ, પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને શોધવા ડ્રોનની મદદ લેવાશે, 7 કંટ્રોલરૂમ શરૂ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરું થઈ છે. જેમાં બી.એડ. સેમેસ્ટર-1ના જનરલના 3,996 જ્યારે બેઝિકના 50 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ સાથે જ એલ.એલ.બી. સેમેસ્ટર-1માં રેગ્યુલર 2,352, એમ.બી.એ. સેમેસ્ટર-1ના 62 તો બેંકિંગ એન્ડ ફાઇનાન્સના 14 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ઉપરાંત એમ.જે.એમ.સી. સેમેસ્ટર-2માં વર્ષ 2016માં નોંધાયેલા અને નાપાસ થયેલા 2 તો એમએસસી. ઈ.સી.આઈ. સેમેસ્ટર-5ના 1 વિદ્યાર્થી માટે સ્પેશિયલ પરીક્ષા લેવામાં આવી રહી છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ શહેર અને જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે 7 કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. તેમજ ઘાયલ પક્ષીઓને શોધવા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવશે.

20 જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે
ઉત્તરાયણના તહેવારને લઈને પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. આગામી 20 જાન્યુઆરી સુધી આ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા દર વર્ષે અસંખ્ય પક્ષીઓને બચાવવામાં આવે છે. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં 7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

ઘાયલ પક્ષીની જાણ થતા જ ટીમ પહોંચી જશે
કોઈ પણ જગ્યાએ પક્ષી ઘાયલ થશે તો કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક પહોંચી બચાવ કામગીરીમાં લાગી જશે. દર વર્ષે ડ્રોન કેમેરાની મદદથી પણ કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા પક્ષીઓને શોધવામાં આવે છે.

રાજકોટ શહેર-જિલ્લાના કંટ્રોલરૂમના હેલ્પલાઈન નંબર

રાજકોટ8469936128
લોધીકા9909305505
ઉપલેટા9723410072
કોટડાસાંગાણી9099080273
જેતપુર9099962062
ધોરાજી9426519761
પડધરી7990247405
ગોંડલ9904600308
જામકંડોરણા9925007207
વીંછિયા7046250225
જસદણ8200965067

વેરા વસુલાત શાખાએ 11 મિલકત સીલ કરી
આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા 11 મિલ્કતોને સીલ કરવામાં આવી હતી. તેમજ 54 મિલ્કતોને ટાંચ જપ્તી નોટિસ ફટકારી રૂ.43.92 લાખ રિકવરી કરી હતી. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફિસર, તમામ વોર્ડ ટેક્સ ઇન્સપેક્ટરો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

વેરા વસુલાત શાખાએ આજે 11 મિલકત સીલ કરી.
વેરા વસુલાત શાખાએ આજે 11 મિલકત સીલ કરી.

હીરાસર એરપોર્ટ પ્રોજેક્ટની સ્થળ સમીક્ષા કરતા કલેક્ટર
કલેક્ટર અરુણ મહેશ બાબુએ રાજકોટના હીરાસર ખાતે નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થળ મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી વિવિધ વિભાગોની બાકી રહેલી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. કલેક્ટર સાથે પ્રાંત અધિકારી સંદીપ વર્મા સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ એપ્રોચ રોડથી રનવે સુધીની તમામ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટની કામગીરીથી કલેક્ટરને તથા અન્ય અધિકારીઓને અવગત કર્યા હતા.

એરપોર્ટની 90 ટકા કામગીરી પૂર્ણ
અધિકારી પાધેના જણાવ્યા મુજબ એરપોર્ટ ખાતે હાલ 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં બોક્સ ક્લવર્ટ સહિત રન-વે, એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી હોવાનું તેમજ બાઉન્ડ્રી વોલની કામગીરી 90 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 95 ટકા અને ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી આ માસના અંતે પૂર્ણ થઈ જશે. મેઈન ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલ આવી પહોંચ્યો છે. એપ્રોચ રોડ પર ડેકોરેટિવ એન્ટ્રી ગેટ તેમજ પ્લાન્ટેશનની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે઼

રેલવેએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી
રેલવે તંત્ર દ્વારા બધા લોકોને જાણ કરવામાં આવે છે કે, રાજકોટ ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે. આ 25000 વોલ્ટના વાયરોમાં પતંગની દોરીઓ ફસાઈ હોવાનું જોવામાં આવ્યું છે. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર કામ કરતી વખતે આ વાયરોના સંપર્કમાં ન આવે તેની કાળજી લેવી જોઈએ. કારણ કે ઇલેક્ટ્રિક શોકને કારણે જીવનું જોખમ રહેલું છે. આ ઉપરાંત સામાન્ય લોકો પણ રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવે છે અને ઓવરહેડ વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ કરે છે. તો સૌને વિનંતી છે કે રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવવાનું ટાળો અને રેલવેના હાઈ વોલ્ટેજ વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ ન કરે અને સામાજિક હિતને ધ્યાનમાં રાખીને શક્ય તેટલું અન્ય લોકોને આ બાબતની જાણ કરે.

આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે
શહેરના રૈયા રોડ પર વધુ એક કોમ્‍યુનિટી હોલ બનાવવા વોર્ડ નં.12માં વાવડી વિસ્‍તારમાં ગાર્ડન ડેવલોપ કરવા, સ્‍પીડવેલ ચોકથી જેટકો ચોકડીને જોડતો 24 મીટર ટી.પી. રોડને ડેવલોપ કરવા, વોર્ડ નં. 7માં મુખ્‍ય રસ્‍તાઓ ફરી ડામરથી મઢવા, આરોગ્‍ય શાખા હેઠળના અર્બન મેલેરીયા વિભાગનું સ્‍ટાફ સેટઅપ રિવાઇસ કરવા સહિતની 45 દરખાસ્‍તો અંગે આવતીકાલે મળનાર સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકમાં નિર્ણય થશે. રાજકોટ મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટીની મિટિંગ આવતીકાલે મંગળવારે બપોરના 12 વાગ્યે કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડિંગ કમિટી કોન્‍ફોરન્‍સ રૂમમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કર પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે.

વોર્ડ નં.1માં 12.08 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવા નિર્ણય લેવાશે
શહેરના વોર્ડ નં. 1માં રૈયારોડ વિસ્‍તારના સંતોષ પાર્ક મેઇન રોડ પર રૂ.12.08 કરોડના ખર્ચે 2 માળનો 5105 ચોરસ મીટરના બાંધકામમાં કોમ્‍યુનિટી હોલ, ડાઇનિંગ હોલ, કીચન, સ્‍ટોર તથા રૂમ સહિતની સુવિધા સાથેનો એસી અને નોન એસી કોમ્‍યુનટી હોલ બનાવવામાં આવશે. આ કામ માટે ટેન્‍ડરો મગાવવામાં આવતા 2 કંપનીએ રસ દાખવ્‍યો હતો. જેમાં એલ 1 બીડર વિનય ઇન્‍ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડે એસ્‍ટિમેન્‍ટ કરતા 6.47% વધુ ભાવ ભર્યા હતા. આ ભાવમાં તંત્ર દ્વારા વાટાઘાટ કરવામાં આવતા અંતે 5.50% વધુ ભાવથી કામ આપવામાં આવ્‍યું છે. ઉલ્લેખનીય છે કે, મનપા તંત્ર દ્વારા ડિસેમ્‍બર 2021માં શહેરના વોર્ડ નં.9માં કોમ્‍યુનિટી હોલની સુવિધા આપવામાં આવી હતી. ત્‍યારબાદ રૈયારોડ વિસ્‍તારમાં વધુ એક કોમ્‍યુનિટી હોલ બનાવવા આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. શહેરના વિવિધ વિસ્‍તારોમાં મહાનગરપાલિકાના કુલ 19 કોમ્‍યુનિટી હોલના 27 યુનિટ કાર્યરત છે.

એંગલ વળી જતા પુલ બંધ કરવો પડ્યો હતો.
એંગલ વળી જતા પુલ બંધ કરવો પડ્યો હતો.

સાંઢિયા પુલ આડે મૂકેલી લોખંડની એંગલ અકસ્માતમાં વળી ગઈ
જામનગર રોડથી શહેરના પ્રવેશદ્વાર જેવો દાયકાઓ જૂનો અને રેલવેના મતે ભારે વાહનો માટે જોખમી બનેલો સાંઢીયા પુલ અંતે કારથી મોટા એવા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ગઇકાલે મોડી રાત્રે મ્યુનિ. કોર્પોરેશને પુલના બંને છેડે અઢી મીટરના લોખંડના એંગલ મારીને આ વાહનો પ્રવેશે જ નહીં તેવી વ્યવસ્થા કરી છે. દરમ્યાન આજે બપોરે મોટા વાહને આ એંગલ સાથે અકસ્માત કરતા વળી ગયો હતો. ટ્રાફિક પોલીસે તાત્કાલિક રસ્તો બંધ કરાવીને કોર્પોરેશનને જાણ કરી હતી. જેથી નવો એંગલ ગોઠવવા બપોરે પુલ બંધ કરવો પડ્યો હતો. આ કારણે અનેક વાહનો સાઇડમાંથી ભોમેશ્વરના રસ્તે પસાર થવા લાગ્યા હતા. હવે નવો પુલ બને ત્યાં સુધી આ જ વ્યવસ્થા રહેવાની છે. જે પ્રોજેક્ટ રેલવેની સંમતિ બાદ ફાઇનલ થશે. આજે પ્રથમ દિવસે અહીંથી પસાર થતા ભારે વાહનોને રોકવા પોલીસે બેરીકેટ પણ માર્યા હતા.

રાજકોટનો 6 લાખ મેટ્રીક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરશે
રાજકોટ શહેરમાંથી રોજ નિકાલ થતા હજારો કિલો જુના કચરાના ઢગલા નાકરાવાડી સાઇડ પર પડેલા છે. હવે પર્યાવરણ અને જાહેર હિતમાં આ કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવા સુપ્રિમ કોર્ટ અને ગ્રીન ટ્રીબ્યુનલે ચુકાદા આપ્યા હોય, અંતે મનપાએ આ છ લાખ મેટ્રીક ટન જેટલા કચરાનો નિકાલ કરવાનો કોન્ટ્રાકટ 19.38 કરોડના ખર્ચે આપવા નિર્ણય કર્યો છે.પ્રતિ મેટ્રીક ટન રૂા.323 લેખે બે એજન્સીને આ કામ આપવા આવતીકાલની સ્ટે.કમીટીની મીટીંગમાં કમિશનરે દરખાસ્ત મોકલી છે. સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટમાંથી રોજ ઉપાડવામાં આવતા સુકા અને ભીના કચરાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા નાકરાવાડી ગામના સર્વે નં.22/P ની જગ્યામાં ઠલવવામાં આવે છે. આ સાઇડ ખાતે આજ સુધીમાં 6 લાખ મેટ્રીક ટન જેટલો જુનો કચરો જમા થયેલો છે. બાંધકામ વેસ્ટ, ભંગાર, ઇલે. વેસ્ટ જેવો કચરો પણ અહીં પહોંચ્યો છે. પર્યાવરણના હિતમાં આ કચરાનો યોય નિકાલ કરવો અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...