રાજકોટ:આજથી સૌરાષ્ટ્ર યુનિ. PG સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ, 134 કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા ગોઠવાઈ, વિદ્યાર્થીને હજુ એક તક મળશે

રાજકોટએક વર્ષ પહેલા
6 જિલ્લાના 134 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી રહી છે
  • છેલ્લા 2 દિવસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ
  • જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આપી શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પી.જી.સેમેસ્ટર-2ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. 16459 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. 6 જિલ્લાના 134 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓને ઘરથી દૂર જવુ ન પડે. UGC અને રાજ્ય સરકારની સૂચના મુજબ કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા અથવા તો પોઝિટિવ હોવાના કારણે પીજી સેમેસ્ટર-2 કે 4ની પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે વધુ એક ખાસ પરીક્ષા યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે.

પરીક્ષા કેન્દ્ર પર તમામ પ્રકારની સુવિધા છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણીએ જણાવ્યું હતું કે જો તમે સ્વસ્થ હોય અને હોમ ક્વોરન્ટાઈન ન હોય તો તમે પરીક્ષા આપી શકો છો. નહિંતર વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને પરીક્ષા કેન્દ્ર પર તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝ સહિતની બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

2 દિવસમાં 29 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ
પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, પી.જી. સેમેસ્ટર-4ની પરીક્ષામાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં 134 પરીક્ષા કેન્દ્રમાં બેઠક વ્યવસ્થા ગોઠવી છે. એમ.એ., એમ.કોમ.ના વિદ્યાર્થીઓને ઘર નજીક પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની તક અપાયા બાદ સાયન્સના વિદ્યાર્થીઓએ પણ ઘર નજીક જ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થાની માગણી કરતા તેમના માટે પણ વ્યવસ્થા ઊભી કરાઇ છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે દિવસમાં 29 કર્મીઓના પોઝિટિવ કેસ આવી ગયા છે. NSUIએ ઉગ્ર આંદોલન વચ્ચે પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે જો વિદ્યાર્થીઓને કોરોના થશે તો જવાબદારી કોણ લેશે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.