બિઝનેસ:કોરોના બાદ સૌરાષ્ટ્રના તલની નિકાસ ઘટી, કોરિયામાં તલનું રિ-ટેન્ડરિંગ થશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 6600 ટન તલનું ટેન્ડર હતું, માત્ર 600 ટન તલનું જ ટેન્ડર મંજૂર થયું, 1500 ડોલરથી ઉપરના ભાવથી આવેલા બધા ટેન્ડર રદ થયા

દર વર્ષે તલ માટે કોરિયાના ટેન્ડરમાં સૌરાષ્ટ્રનો 60 ટકાથી વધુ હિસ્સો હોય છે. જે પરંપરા આ વર્ષે તૂટી છે. આ વખતે સૌરાષ્ટ્રના એક પણ તલના વેપારીઓએ કોરિયાના ટેન્ડર ભર્યા નથી. ગત સપ્તાહે થયેલ હરાજીમાં કોરિયાએ માત્ર 1500 ડોલરથી નીચેના ભાવના જ ટેન્ડર સ્વીકાર્યા છે. જેને હિસાબે માત્ર 600 ટન તલનું ટેન્ડર જે 1500 ડોલરથી નીચેના ભાવે આવ્યા હતા તે મંજૂર થયા છે. બાકીના 6 હજાર ટન તલ માટે રિ-ટેન્ડરિંગ કરાશે. કોરોનાની અસરને કારણે આ વખતે નિકાસમાં સૌરાષ્ટ્રના તલની ડિમાન્ડ ઘટી છે.

કોરિયા દર વર્ષે તલના ટેન્ડર ખોલે છે. જેમાં આ વખતે દિલ્હી, ગ્વાલિયર, મુંબઈ અને ગુજરાતના ત્રણથી ચાર વેપારીએ કોરિયાના ટેન્ડર ભર્યા હતા. કુલ 6600 ટન તલ માટે ભરાયેલા ટેન્ડરની રકમ 1525-1550 ડોલર રહી હતી. જે તમામ ટેન્ડર રદ થયા છે. જ્યારે 600 ટન તલ માટે એક ટેન્ડર આવ્યું હતું. જે 1500 ડોલરનું હોવાથી તે મંજૂર થયું છે.

ભારે વરસાદને કારણે આ વખતે સૌરાષ્ટ્રમાં તલના પાકને નુકસાન થયું છે. જો કે આ વખતે પિયતની પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે ઉનાળુ તલનું વાવેતર 30 ટકાથી વધારે આવે તેવી સંભાવના છે. જે શિયાળુ તલમાં જે નુકસાન થયું છે તે ઉનાળુ તલમાં સરભર થઈ જવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે. હાલ કાળા તલનો ભાવ રૂપિયા 2250 થી 2850 સુધીનો બોલાઈ રહ્યો છે. જ્યારે આવક 630 ક્વિન્ટલની થઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં રોજ 50 ટન તલ ખપી જાય છે
કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તલની ડિમાન્ડ ઘટી છે. જ્યારે સ્થાનિક ડિમાન્ડ વધારે છે. શિયાળાની સિઝન હોય સૌરાષ્ટ્રમાં રોજના 50 ટન તલ ખપી જાય છે. જેમાં સૌથી વધુ ડિમાન્ડ સફેદ તલની છે. હાલ તલનો સૌથી વધુ વપરાશ ચીકીમાં થતો હોવાનું વેપારીઓ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...