મતદાન:સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા મતદાન થયું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 80% મતદાન સાથે દ્વારકા જિલ્લો સૌથી મોખરે, પોરબંદર અને જામનગરમાં અનુક્રમે માત્ર 66.77 અને 61.45%
  • આઠ જિલ્લાના 27.70 લાખ ગ્રામજનોએ કડકડતી ઠંડીમાં મતદાનની ફરજ નિભાવી
  • રાજકોટમાં બે પોલીસ ફરિયાદ, કલ્યાણપુરમાં ઉમેદવારનું મતદાનના દિવસે જ મોત નીપજ્યું

ગ્રામપંચાયતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં જિલ્લા મથકો મુજબ અલગ અલગ પ્રતિસાદ જોવા મળ્યો છે પણ સરેરાશ મતદાન ઘણું ઊંચું થયું છે. રાજકોટમાં બે કેસ કે જેમાં બોગસ મતદાનના પ્રયાસ અને પોલીસ અને મતદાર વચ્ચેની રકઝક સિવાય બીજી બધી જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થયા છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ મતદાનનું પ્રમાણ 70 ટકા જેટલું રહ્યું છે 8 જિલ્લાના કુલ 34.31 લાખ મતદારમાંથી આશરે 27.70 લાખ લોકોએ કડકડતી ઠંડીમાં પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન દ્વારકામાં 80 ટકા થયું છે જ્યારે જામનગરમાં માત્ર 61.45 જ્યારે પોરબંદરમાં 66.77 ટકા થયું છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગામની પંચાયતમાં વોર્ડ નં. 3ના ઉમેદવાર ટમુબેન ભગતભાઈ મોઢવાડિયા નામના મહિલા ઉમેદવારનું મોત થયું છે. કલ્યાણપુરના ધતુરિયા ગામના શિક્ષક અને પોલિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ શનિવારે રાતે નશાની હાલતમાં ધરપકડ કરાઇ હતી અને શિક્ષકે લોકઅપમાં રાતવાસો કર્યો હતો.

મોરબીના શિવનગરમાં અલગ પંચાયત અને જેતપુરના મોણપરમાં પ્રદૂષણના મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર
મોરબીના પંચાસર ગામની નજીક આવેલા શિવનગર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામજનોની માંગ છે કે અલગ ગ્રામપંચાયત બનાવવામાં આવે. 57 વર્ષથી શિવનગર ગામ પંચાસર ગામથી અલગ થયું છે, પરંતુ તેમને ગ્રામપંચાયત મળી નથી. જેતપુર તાલુકામાં આવેલી મોણપર ગામની નદી છે તે પ્રદૂષિત થઇ ગઇ છે. રોડ રસ્તા અને સફાઈ કોઈ પ્રકારના કામો થતા નથી. ગ્રામજનોનો આરોપ છે કે અનેક રજૂઆત છતાં કોઇ કામ નથી થતા.જેને લઇ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. મોણપર ગામના પૂર્વ સરપંચ પ્રતાપ ધાધલે કહ્યું હતું કે, શોફરના પાણી, ઘાટના પાણીના કારણે કૂવામાં પાણી લાલ થવા લાગ્યું છે. જેના કારણે પિયત માટે પાણીનો ઉપયોગ કરતા પાકમાં અસર કરે છે.

બાવળિયાએ કહ્યું, અમુકને વિકાસ દેખાતો નથી!
પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમણે કોઇ પણ પક્ષ કે ઉમેદવારનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, અમુક લોકોને કાયમ ટીકા જ કરવાની ટેવ હોય છે અને કમળો હોય તેને પીળું દેખાય એ ઉક્તિના નાતે તેમને વિકાસ દેખાતો હોતો નથી. પરંતુ અહીંની પ્રજા ખૂબ શાણી અને સમજુ છે, જે સારા નરસા પાસાને પારખીને સમજુ વ્યક્તિને મત આપીને શાસનની ધૂરા આપશે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મતદાન વીંછિયામાં નોંધાયું છે. સાંજ સુધીમાં આંક 79.26 ટકા રહ્યો હતો જ્યારે બીજા ક્રમે 78.58 ટકા સાથે લોધિકા તાલુકો છે.

સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં થયેલું મતદાન

જિલ્લોપંચાયતસમરસઉમેદવારમતદારમતદાન મથકમતદાન
રાજકોટ41313411,1687,42,33096475.27%
મોરબી196715042,36,62040573.00%
જામનગર129382952,06,47429661.45%
દ્વારકા128283412,81,32634480.00%
જૂનાગઢ338628915,81,31178769.75%
અમરેલી393981,0216,82,78183370.00%
ગીર-સોમનાથ249366415,41,80371471.60%
પોરબંદર98312561,58,82218566.77%
કુલ194549815,11734,31,4674528----

રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં મતદાન
રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં સૌથી વધુ વીંછિયા તાલુકામાં 79.26 ટકા અને સૌથી ઓછું ધોરાજી તાલુકામાં 70.02 ટકા મતદાન થયું. જ્યારે અન્ય તાલુકામાં રાજકોટ- 75.34, કોટડાસાંગાણી- 75.47, પડધરી- 77.44, લોધિકા-78.58, ગોંડલ- 73.18, જેતપુર- 75.76, ઉપલેટા- 73.18, જામકંડોરણા- 74.74, જસદણ- 77.36 ટકા મતદાન થયું.

રાજકીય રંગ-જ્યાં પંચાયતો સમરસ ન થઇ ત્યાં થયું સૌથી વધુ મતદાન
સૌરાષ્ટ્રની ગ્રામપંચાયતોની ચૂંટણીમાં આ વખતે ઘણી પંચાયતો સમરસ થઈ છે જ્યારે અમુક તાલુકાઓમાં પ્રયત્નો કરવા છતાં માંડ બે કે ત્રણ જ સમરસ થઈ. મતદાન થયા બાદ સમરસ ગામો અને મતદાન વચ્ચેનો સંબંધ જોતા રસપ્રદ વિગત મળી હતી કે, જે તાલુકાઓમાં સૌથી ઓછી પંચાયતો સમરસ થઈ ત્યાં સૌથી વધુ મતદાન થયા છે. રાજકોટમાં પડધરીમાં સૌથી વધુ 25 ગામ સમરસ થયા છે અને ત્યાં 77 ટકા મતદાન થયું છે. જ્યારે વીંછિયામાં 5 અને જસદણમાં માત્ર 3 ગામ સમરસ થયા પણ ત્યાં સરેરાશ મતદાન 79 ટકા ઊંચું થયું છે.

ગીર સોમનાથના ઉનામાં સૌથી વધુ 10 પંચાયત સમરસ થઈ હતી અને સાંજે 5 વાગ્યાની સ્થિતિએ આખા જિલ્લામાંથી સૌથી ઓછું મતદાન પણ ઉના તાલુકામાં જ નોંધાયું હતું જ્યારે 76 ટકા સાથે સૂત્રાપાડા મોખરે હતું જ્યાં 6 જ પંચાયત સમરસ હતી. આ આંકડાઓ એ દર્શાવે છે કે, જે તાલુકાઓમાં રાજકીય રસાકસી વધુ હતી અને તેને કારણે જ પંચાયતો સમરસ થતી ન હતી હવે ત્યાંજ રાજકારણને લઇને મતદારોને મથક સુધી પહોંચાડવા પડાપડી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...