વાતાવરણમાં પલટો:સૌરાષ્ટ્રમાં બે દી’ હળવા ઝાપટાંથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ પડી શકે, 11 જાન્યુ.થી વાતાવરણ ચોખ્ખું થશે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 8 જાન્યુઆરીથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પાંચ દિવસ વાતાવરણમાં પલટો રહેશે

બુધવારે રાજકોટમાં સવારથી લઇને સાંજ સુધી સૂર્યનારાયણ સંતાકૂકડી રમતા જોવા મળ્યા હતા અને આખો દિવસ ધ્રાબડિયું વાતાવરણ રહ્યું હતું. સાંજના સમયે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.જે સતત 5 થી 10 મિનિટ સુધી ચાલુ રહ્યા હતા. જેને કારણે રોડ- રસ્તા ભીના થઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અને કાલે એમ બે દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરાઇ છે.

જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી- માળિયા અને કચ્છમાં વરસાદ આવશે. હળવા ઝાપટાંથી લઈને 1.50 ઈંચ સુધીનો વરસાદ પડશે. ઉપરા-ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાને કારણે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂરું થયા બાદ બીજું શરૂ થશે. જેથી 10 જાન્યુઆરી સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. બે દિવસ વાદળો રહેવાને કારણે મહત્તમ તાપમાન પણ નીચું જશે. જેથી દિવસભર ઠંડક રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બુધવારે વાતાવરણમાં જે પલટો આવ્યો તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થનારી હિમવર્ષાની અસર પણ અહીં વર્તાશે. હિમવર્ષા થયા બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આ સમયે સિંગલ ડિજિટમાં તાપમાન પણ પહોંચી શકશે. બુધવારે લઘુતમ તાપમાન 20.1 ડિગ્રી નોંધાયું હતું. જે મંગળવાર કરતા 2 ડિગ્રી વધારે હતું. હવામાં ભેજનું પ્રમાણ પણ 82 ટકા હતું. સવારના ભાગે ધુમ્મસ જોવા મળી હતી. સવારના ભાગે પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. જ્યારે દિવસમાં પવનની ઝડપ ડબલ થતા 12 કિલોમીટર નોંધાઈ હતી.

મહત્તમ તાપમાન 29.2 ટકા અને ભેજનું પ્રમાણ 60 ટકા નોંધાયું હતું. 11 જાન્યુઆરીથી વાતાવરણ ચોખ્ખું થયા બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. રાજકોટ સહિત કેટલાક યાર્ડમાં ખેડૂતોને સૂચના અપાઇ છે કે, વાહનમાં જણસી ઢાંકીને લાવવાની રહેશે. બેડી યાર્ડમાં રોજેરોજ આવતી મગફળી વેચાઈ જાય અને તે માટે ટોકન સિસ્ટમ શરૂ કરાઇ છે. બધી મગફળી એકી સાથે સ્વીકારવાને બદલે મર્યાદિત સંખ્યામાં મગફળી લેવામાં આવે છે. જેને કારણે આ સમયે જ્યારે 25 થી 30 લાખ કિલો મગફળીની આવક થતી હોય છે તેના બદલે બુધવારે ઝીણી અને જાડી મગફળી મળી 2 લાખ 24 હજાર કિલો મગફળીની આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...