રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ચોમાસું શરૂ થવાનો ક્રમ અનિયમિત છે પણ આ વર્ષે ચોમાસું પોતાના સમયે જ ચાલુ થશે તેવા એંધાણ મળી રહ્યા છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ચોમાસાને અનુકૂળ પરિબળો છે આ કારણે 15થી 20 જૂન દરમિયાન વાવણી લાયક વરસાદ પડી શકે છે.
15 તારીખ પહેલાથી જ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાં ચાલુ થઈ જશે જે એ વાતનો એંધાણ આપશે કે ચોમાસું હવે નજીક આવી રહ્યું છે. આ વર્ષે ચોમાસું પણ સામાન્ય કરતા સારું જ રહેશે જોકે બે વર્ષ પહેલા જે રીતે તારાજી સર્જી તેવા 50થી 60 ઈંચ જેટલી તીવ્રતા આ વર્ષે દેખાતી નથી. કેટલાક વેધર એનાલિસ્ટ એમ કહી રહ્યા છે કે હાલ પેસેફિક મહાસાગરમાં લા નિનો સક્રિય છે. મહાસાગરમાં તાપમાનના અલગ અલગ પ્રમાણને લા નિનો અને અલ નિનો તરીકે ઓળખાય છે. લા નિનો ભારતીય ઉપખંડમાં સારો વરસાદ લાવે છે જ્યારે અલ નિનો ઓછા વરસાદનું કારણ બને છે.
ચોમાસું એક સપ્તાહ વહેલું હોવાના હવામાન વિભાગના અહેવાલ વચ્ચે રાજ્યના 9 શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું હતું. અમદાવાદમાં હજુ આકરો તાપ પડી રહ્યો છે. રવિવારે તાપમાનનો પારો 42.5 ડિગ્રી નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં 42.4 અને રાજકોટમાં 41.9 ડિગ્રી નોંધાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.