સૌરાષ્ટ્રના લેટેસ્ટ ન્યૂઝ:વાંકાનેરમાં લોડરની ઠોકરે મહિલાનું મોત, પડધરી નજીક આશ્રમમાં ચોરી, જામવાડીમાં વિડીમાં આગ લાગી, ખંભાળીયાનાં રામનગરમાં શોર્ટ સર્કિટથી મગફળી બળીને ખાખ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામવાળી ગામ નજીક વીડીમાં આગ લાગતા અસંખ્ય ઝાડ-પાન બળીને ખાખ થઈ ગયા - Divya Bhaskar
જામવાળી ગામ નજીક વીડીમાં આગ લાગતા અસંખ્ય ઝાડ-પાન બળીને ખાખ થઈ ગયા

1. મોરબીના વી.સી. હાઈસ્કૂલ નજીક રીક્ષામાં સવાર ત્રણ ઇસમોએ છરીની અણીએ લૂંટ ચલાવી
મોરબીના સિરામિક ફેકટરીમાં રહીને મજૂરી કરતો યુવાન વી.સી.હાઈસ્કૂલ પાસેથી પસાર થતો હતો ત્યારે રીક્ષાચાલક અને બે અજાણ્યા ઇસમોએ યુવાનને છરી બતાવી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. મોરબીના બંધુનગર નજીક ફોરમ સિરામિકમાં કામ કરતા પીન્ટુ ધુરૂપલાલ શ્રીવાસ્વત (ઉં.વ.22) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 6 તારીખના રોજ વી.સી.હાઈસ્કૂલથી આગળ તે રીક્ષામાં બેસી પોતાના રૂમ પર જતો હતો. ત્યારે વી.સી. હાઈસ્કૂલ નજીક રીક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી છરી દેખાડી ધમકી આપીને રૂ. 6 હજાર અને મોબાઈલ નંગ 2 કિંમત સહિત 14 હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

2. વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં લોડરની ઠોકરે મહિલાનું મોત
વાંકાનેર હાઈવે પર આવેલ વરમોરા સિરામિક ફેક્ટરીમાં લોડરની ઠોકરે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની વિગત અનુસાર શાપર-વેરાવળ ચોકડી પાસે રહેતા મૂળ એમપીના વતની પ્રેમસિંહ થાવરીયાભાઈ નીનામાંએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમના માતા પારીબાઈ વરમોરા સિરામિકના માટી ખાતામાં કામ કરતા હતા. ત્યારે લોડરચાલકે લોડર રિવર્સ લેતી વખતે પાછળ કામ કરતા પારીબાઈ નામની મહિલાને ઠોકરે ચડાવી હતી. જે અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. હાલ તો સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ કરી રહી છે.

શોર્ટ સર્કિટના કારણે મગફળી બળી ગઈ
શોર્ટ સર્કિટના કારણે મગફળી બળી ગઈ

3. ખંભાળીયાનાં રામનગરમાં શૉર્ટ સર્કિટનાં કારણે 50 મણ મગફળી બળીને ખાખ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના રામનગરની સીમમાં શૉર્ટ સર્કિટના કારણે 50 મણ મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. જેથી તાલુકા વિકાસ અધિકારીને ફરીયાદ કરવામાં આવી છે. રામનગરમાં જેન્તીભાઇ મનજીભાઇ નકુમનાં ખેતરમાં મગફળીનો જથ્થો રાખેલ હતો. જેમાં આજે બાજુના વિજ ટ્રાન્સફોર્મરમાં થયેલ શોર્ટ સર્કિટના કારણે આ જથ્થો બળી ગયો હતો.

4. પડધરીના થોરીયાળી ગામ પાસેના આશ્રમમાં તસ્કરો ખાબક્યા, 90 હજારના મુદ્દામાલની ચોરી
રાજકોટ જિલ્લાના પડધરીના થોરીયાળી ગામ પાસે આવેલ આશ્રમના મંદિરમાંથી તસ્કરો ચાંદીના આભુષણો અને રોકડ સહિત 90 હજારની મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર થોરીયાળી ગામ પાસે આવેલ રામાનંદ યોગ આશ્રમમાં રાત્રિના તસ્કરોએ આશ્રમમાં પ્રવેશ કરી મંદિરનું તાંળુ તોડી ચાંદીનું છતર (કિંમત- 15 હજાર), ચાંદીની સાંકળી એક કિલો (કિંમત- 60 હજાર) અને દાનપેટી તોડી રોકડ રૂ. 15 હજાર મળી કુલ રૂ. 90 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી આશ્રમના સંચાલક રમેશભાઇ લુહાગરીયાએ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું ગોવિંદ પરમાર ઝડપાયો
આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું ગોવિંદ પરમાર ઝડપાયો

5. મોરબી અને જામનગર જીલ્લામાંથી ચાર બાઇકની ચોરી કરનાર ઝડપાયો
મોરબી અને જામનગર જીલ્લામાંથી બે વર્ષમાં ચાર બાઈક ચોરી કરનાર ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને ચોરીના ચાર મોટરસાયકલ જપ્ત કર્યા છે. મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અગાઉ મોટરસાયકલ ચોરીમાં ઝડપાયેલ જીતેન્દ્ર ઉર્ફે જીતું ગોવિંદ પરમાર મોરબી વિસ્તારમાં મોટરસાયકલ ચોરી કરવા આવેલ હોય જે બાતમીને પગલે વોચ ગોઠવીને આરોપીને મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધો હતો. ઝડપાયેલ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે લંગડી ગોવિંદ પરમાર વિશે ઈ-ગુજકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા આરોપીએ મોરબી, રાજકોટ, ધ્રોલ અને જામનગર ખાતે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું અને મોટરસાયકલ GJ 03 CH 1745 ઉમિયા સર્કલ પાસેથી ચોરી થયાનું ખૂલ્યું હતું. જેથી આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપીએ કુલ 4 મોટરસાયકલ ચોરીની કબTલાત આપી હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

6. કાલાવડના જામવાડી ગામની વીડીમાં આગથી ઝાડ-પાન બળીને ખાખ થયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જામવાળી ગામ નજીક વીડીમાં આગ લાગતા અસંખ્ય ઝાડ-પાન બળીને ખાખ થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર કાલાવડ તાલુકાના જામવાડી ગામે 400થી વધુ હેક્ટરમાં વન વિભાગની ઘાસની વીડી આવેલી છે. જેમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. વીડીમાં સુકું ઘાસ ઉભું હોય ત્યારે થોડીવારમાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું અને પાણીના પ્રવાહની જેમ આગ પણ ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં નાના-મોટા જીવજંતુઓ અને પક્ષીઓ આગની ઝપેટમાં આવી ગયા હતાં. તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીનું એક મોટરસાયકલ પણ બળીને ખાખ થઈ ગયું હતું.

આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં દરોડા પાડ્યા
આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં દરોડા પાડ્યા

7. રાજકોટમાં આરોગ્ય વિભાગે ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડી 4ને નોટિસ ફટકારી
દિવાળીના તહેવારોના નજીક આવતા જ રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ડ્રાયફ્રૂટ અને મીઠાઈ-ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યુ છે. ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગે 24 વેપારીને ત્યાં દરોડા પાડી 4ને નોટિસ ફટકારી છે. આ સાથે જ 13 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. મહત્વનું છે કે દિવાળીના તહેવારો પર ડ્રાયફ્રૂટ અને મીઠાઈ-ફરસાણનું વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય છે. જેથી રાજકોટના લોકોને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ફુડ બિઝનેસ ઓપરેટરોની ચકાસણી કરી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય વસ્તુઓના કુલ 4 નમૂના લીધા હતા. મનપાની ટીમે 24 વેપારીઓને ત્યાં દરોડા પાડી 4 ફૂડ બિઝનેસ ઓપરેટરોને નોટિસ ફટકારી હતી. આ સાથે જ 23 કિલો પસ્તી અને 13 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

8. ભાવનગરમાં બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું
ભાવનગરમાં બી.એમ. કોમર્સ હાઈસ્કૂલ દ્વારા દીપવાળીની ઉજવણી નિમિતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં શાળાના 8થી 12 ધોરણના વિદ્યાર્થી ભાઈબહેનોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોરોના કાળમાં શાળાઓ બંધ છે. પરંતુ વિદ્યાર્થીઓમાં એક નવા રંગો સાથે ઉમંગનો સંચાર કરવા શાળા દ્વારા સ્પર્ધાનુ આયોજન કરાયું હતું, જેમાં શાળાના 29 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ રંગબેરંગી કલાત્મક રંગોળીનું સર્જન કર્યું હતું. શાળા દ્વારા તમામને પ્રમાણપત્ર સાથે એકથી ત્રણના ક્રમાંકમાં આવેલા સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે

9. જામજોધપુર યાર્ડમાં 10 કલાકમાં 50 હજાર ગુણીની મગફળીની બમ્પર આવક
જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 10 કલાકમાં 50 હજાર ગુણી મગફળીની બમ્પર આવક થતાં હાલ પૂરતી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. પ્રમુખ દેવાભાઇ પરમારના જણાવ્યા મુજબ માર્કેટિંગ યાર્ડમાં ખુલી બજારમાં મગફળીનો ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા ખેડુતોને કોઇ મુશ્કેલી કે અગવડતા ન પડે તે માટે માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓને જરૂરી સૂચના આપી ખેડૂતો માટે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઢસામાં પોલીસનું પેટ્રોલિંગ
ઢસામાં પોલીસનું પેટ્રોલિંગ

10.દિવાળીના તહેવારોને લઈને બોટદનાં ઢસામાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ
દિવાળીનાં તહેવારો નજીક આવી રહ્યાં છે. ત્યારે બોટાદના ઢસામાં મેઇન બજારોમાં ટ્રાફિક જોવાં મળી રહ્યો છે. જેથી ઢસા પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પી.આઇ. જે.વી.ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ઢસામાં ફુટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવો ન બને તેવાં હેતુ સાથે પોલીસ દ્વારા શહેરમાં ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આરોપી પત્ની પાયલ ચૌહાણ અને તેનો પ્રેમી ગગજી
આરોપી પત્ની પાયલ ચૌહાણ અને તેનો પ્રેમી ગગજી

11. ભાવનગરના વરતેજમાં સામૂહિક આપઘાત કેસમાં પત્ની અને પ્રેમીને જેલ હવાલે કરાયા
ભાવનગર વરતેજના નવાગામમાં થોડા દિવસો પૂર્વે થયેલ સામૂહિક આપઘાત પ્રકરણમાં પત્ની અને તેના પ્રેમીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. વરતેજના નવાગામ ખાતે તારીખ 15ના રોજ યુવકે તેના બે બાળકો સાથે સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકે આત્મહત્યા કરતાં પૂર્વે પોતાના મોબાઈલમાં અંતિમ વીડિયો શૂટીંગ કર્યુ હતું. જેમાં તેના પત્નીનો અન્ય યુવક સાથે સંબંધ હોવાનું જણાવ્યું હતું. જે વિડીયો કલીપ વાયરલ થઈ હતી. સામૂહિક આત્મહત્યાના બનાવ અંગે પોલીસે તપાસ કરતા મરવાનું કારણ તેમના પત્ની અને તેનો પ્રેમી હોય અને તે બાબતે મરવા મજબૂર કર્યો હોય જે અંગેનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા હતાં. જેથી કોર્ટે આરોપી પત્ની પાયલ ચૌહાણ અને તેના પ્રેમી ગગજીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.