રાજ્યભરમાં લમ્પી વાઇરસને કારણે ગૌ વંશ પર ખતરો છે અને તેને કારણે હવે ધીરે ધીરે અસર દૂધ ઉત્પાદન પર દેખાઈ રહી છે પણ તેના પર તંત્ર પડદો પાડી સાચી સ્થિતિ બહાર લાવવા માંગતું નથી કારણ કે તેનાથી લમ્પી વાઇરસની અસર કેટલી ગંભીર છે તે બહાર આવી શકે છે. ભાસ્કરે તપાસ કરતા જાણવા મળ્યું છે કે લમ્પી વાઇરસના કેરને પગલે છેલ્લા 20 દિવસમા દૂધ ઉત્પાદનમાં કોઇ મથકોમાં 5 તો કોઇ જિલ્લાઓમાં 27 ટકા જેટલો જંગી ઘટાડો આવ્યો છે.
લમ્પી વાઇરસ સ્કીન ડિસીઝ પર થયેલા અનેક રીસર્ચમાં પણ નોંધાયુ છે કે આ રોગને કારણે દૂધના ઉત્પાદનમાં ઘણો ઘટાડો થાય છે. રાજ્યની અલગ અલગ સહકારી ડેરીઓમાં આવતા દૂધના જથ્થાની તપાસ કરતા જોવા મળ્યુ હતુ કે ઉત્પાદનમાં 5થી 27 ટકાનો ઘટાડો આવ્યો છે. મોરબીની સહકારી ડેરીમાં મે મહિનામાં દૈનિક દૂધની સરેરાશ આવક 156472 કિલો હતી જે જુલાઈમાં 113905 કિલો થઈ છે જે 27 ટકાનો ઘટાડો બતાવે છે. કચ્છમાં દૈનિક 20,000 કિલો ઘટ્યુ છે જે મૂળ આવકના 8થી 10 ટકા થવા જાય છે.
રાજકોટ ડેરીમાં દૈનિક આવક 3.50 લાખ કિલોથી ઘટીને 3,25,000 કિલો થઈ ગઈ છે. લમ્પી વાઇરસ જો કાબુમાં ન આવ્યો હતો આ આંક હજુ પણ ઘટી શકે છે. માત્ર સૌરાષ્ટ્ર-કચ્છની જ વાત કરીએ તો દૈનિક 65,000 કિલો દૂધની આવક ઘટી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં હજુ લમ્પીની અસર નહિવત છે આમ છતાં બરોડામાં અસર દેખાઈ રહી છે. બરોડામાં ગત જુલાઇ અને ચાલુ વર્ષમાં દૈનિક 80,000 કિલોનો તફાવત આવ્યો છે.
ગત વર્ષ કરતા પણ આવક ઓછી, ચોમાસાનુ બહાનુ ખોટુ સાબિત થયુ
રાજ્યભરના દૂધ ઉત્પાદક સહકારી સંઘો દૂધની આવકોના આંક જાહેર કરવામાં ખચકાઈ રહ્યા છે અને જેના આંક નિયમિત જાહેર થાય છે તે એવુ બહાનુ કાઢે છે કે ચોમાસામાં દર વર્ષે ઉત્પાદન ઘટે છે. કચ્છ અને બરોડા ડેરીમા ચાલુ વર્ષ અને ગત વર્ષના જુલાઇ માસમાં ઉત્પાદનનો તફાવત આ દાવો ખોટો સાબિત કરે છે.
ગર્ભાધાનમાં તકલીફ પડે, ગર્ભપાત પણ થાય
વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ એનિમલ હેલ્થે આ રોગને નોટિફાઈબલ ડિસીઝ જાહેર કર્યો છે એટલે કે જ્યાં પણ આ રોગ વધારે હોય તો તેને સ્થાનિક અથવા તો દેશવ્યાપી મહામારી જાહેર કરીને તેની નોંધ રાખવી પડે. ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે આ રોગને કારણે પશુઓમાં દૂધ ઉત્પાદન તો ઘટે છે સાથે સાથે ફરી ગર્ભાધાનમાં સમસ્યા થાય છે અને ગાય ગર્ભવતી હોય તો ગર્ભપાત થાય છે.
ભૂખ ન લાગે એટલે વજન ઘટે, જેથી દૂધ ઉત્પાદન ઘટે : રિસર્ચ
જર્નલ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ઈથોપિયાના વેટરનરી ડોક્ટરોએ રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું છે. ઈથોપિયામાં 2017-18માં લમ્પીનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. પેપર અનુસાર લમ્પીગ્રસ્ત ગાયોની ભૂખ મરી જાય છે. ઓછા ખોરાકને કારણે વજન સતત ઘટે છે. તેના કારણે દૂધમાં 20થી 40 ટકા સુધીનો ઘટાડો થાય છે.
ગત વર્ષ કરતાં 6 લાખ કિલો દૂધની આવકનો ફટકો પડ્યો
કચ્છમાં લમ્પી સ્કીન ડિસીઝનો ઉપદ્રવ સૌથી વધુ દેખાઈ રહ્યો છે. જુલાઈ 2021માં દૈનિક 2.80 લાખ કિલો દૂધ ઉત્પાદકો સહકારી ડેરીમાં આપતા હતા પણ તે સંખ્યામાં 20,000 કિલો ઘટ્યુ હતુ તેથી માત્ર એક જ મહિનામાં કચ્છ જિલ્લાના દૂધ ઉત્પાદકોને 6 લાખ કિલો દૂધની આવકનો ફટકો પડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.