ઈન્કમટેક્સ કલેક્શન:સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના પછી કરદાતા વધ્યા, ગત વર્ષ કરતા 3 લાખથી વધુ ITR ફાઇલ થયા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈન્કમટેક્સ કલેક્શન રૂ.130 કરોડથી વધીને રૂ.250 કરોડનું થયું, એડવાન્સ ટેક્સ કલેક્શનમાં કેપિટલ ગેઈનનો સમાવેશ
  • પાનકાર્ડધારકો અને કરદાતાઓની સંખ્યા ચાલુ વર્ષમાં 23 લાખની થઇ

કોરોના બાદ વેપાર-ઉદ્યોગમાં વૃદ્ધિ દેખાઇ રહી છે. તેમજ ઔદ્યોગિક એકમોની સંખ્યા પણ વધી રહી છે. પરિણામે ઈન્કમટેક્સ અને જીએસટીના ટેક્સ કલેક્શનમાં ગ્રોથ દેખાઈ રહ્યો છે. એ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરનારા કરદાતા અને પાનકાર્ડધારકોની સંખ્યા એક વર્ષમાં 3 લાખ કરતા વધારે નોંધાઈ છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં ઇન્કમટેક્સના ચોપડે ગત નાણાકીય વર્ષ 2020-2021ના ઓગસ્ટ માસ સુધીમાં 20 લાખ કરદાતાઓ હતા. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2021-2022 ના ઓગસ્ટ માસમાં કરદાતાઓની સંખ્યા 23 લાખ કરતા વધારે થઈ છે. આ સાથે જ ટેક્સ કલેક્શનમાં પણ વધારો નોંધાયો છે. ગત નાણાકીય વર્ષમાં પ્રથમ અને બીજા ક્વાર્ટરના એડવાન્સ ટેક્સનું કલેક્શન રૂ.130 કરોડ હતું. જ્યારે ચાલુ વર્ષે પ્રથમ અને બીજા ક્વાર્ટરના એડવાન્સ ટેક્સનું કલેક્શન રૂ.250 કરોડે પહોંચ્યું છે. આ વર્ષે એડવાન્સ ટેક્સ કલેક્શનમાં કેપિટલ ગેઈનનો પણ સમાવેશ થાય છે. કેપિટલ ગેઈન એટલે કે મિલકત- સોનું વેચવાથી જે આવક થાય છે તેના પર ભરવાપાત્ર થતા ટેક્સની રકમ. તેમ ટેક્સ પ્રેક્ટિસનર્સ એસોસિએશનના કારોબારી સભ્ય હેમલ કામદારે જણાવ્યું છે. એક અંદાજ મુજબ રાજકોટમાં એક વર્ષમાં અંદાજિત 50 હજારથી વધુ નવા ઉદ્યોગો શરૂ થયા છે.

શા માટે કરદાતાઓ વધ્યા
કોરોના બાદ નવા વેપાર ઉદ્યોગ શરૂ થઈ રહ્યા છે. એ સિવાય લોન લેવાનું પ્રમાણ પહેલા કરતા વધ્યું છે. સૌથી વધુ હોમ- ઓટો લોન લેવાઈ રહી છે. લોન માટે રિટર્ન ફરજિયાત છે. જેને કારણે નવા પાનકાર્ડ જનરેટ થઈ રહ્યા છે. આ સિવાય બેન્ક ખાતા ખોલવાથી લઈને બેન્ક ટ્રાન્ઝેક્શન વગેરેમાં પાનકાર્ડની જરૂર પડી રહી છે. તેમજ જે જૂના પાનકાર્ડ હોય તે સરેન્ડર નહિ થતા હાલમાં તે ઈન્કમટેક્સના ચોપડે કરદાતા તરીકે જ બોલાય છે.

હવે આ અસર આવશે
અત્યારે પાનકાર્ડ અને આધારકાર્ડ બન્ને લિંકઅપ છે. એકવાર પાનકાર્ડ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં હાઈલાઇટ થઇ જાય. ત્યારબાદ એમના થકી થતા તમામ વ્યવહારો ઓન એર એટલે કે આવકવેરા વિભાગના ધ્યાનમાં રહે છે.હવે વ્યવહારમાં પારદર્શકતા વધશે. લોકોના બેન્ક- રોકડ અને શેરના તમામ ટ્રાન્ઝેક્શન જાણી શકાશે.

કેવા પ્રકારના કરદાતા વધ્યા
કોરોના બાદ જે કરદાતા વધ્યા છે તેમાં વ્યક્તિગત, બિઝનેસ અને નોકરિયાત વર્ગના કરદાતાઓનો સમાવેશ થાય છે. જેમાં નોકરિયાત અને બિઝનેસ સાથે સંકળાયેલા કરદાતાઓની સંખ્યા વધી હોવાનું અનુમાન છે. કારણ કે, કોરોના બાદ નવા ઉદ્યોગો શરૂ થયા છે અને અલગ - અલગ ક્ષેત્રમાં ઈન્ટર્ન કરનારની સંખ્યા વધી છે. તેમજ ઔદ્યોગિક એકમમાં નવા લેબરની જરૂરિયાત ઊભી થઇ છે.

નીલ રિટર્નથી લઈને કરોડો રૂપિયાનો ટેક્સ જમા થાય છે
જેટલા પાનધારકો છે તે તમામ લોકોનો ટેક્સ કરોડો કે લાખોમાં આવે તે જરૂરી નથી. જે નક્કી કરેલા દાયરામાં નથી આવતા તેવા લોકો નીલ રિટર્ન પણ ફાઇલ કરે છે. આ સિવાય સૌરાષ્ટ્ર- કચ્છમાં કરોડો રૂપિયાનો ટેક્સ ભરનાર કરદાતાઓનો પણ સમાવેશ થાય છે. કોરોના બાદ જેમના ઉદ્યોગમાં મૂડીરોકાણ- નફામાં વધારો થયો છે તેવા લોકોનું ટેક્સ કલેક્શન ગત વર્ષની સરખામણીએ વધારે થયું છે. તેમ સીએ કલ્પેશભાઇ પારેખ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...