એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતા સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમોમાં કોલસાનો વપરાશ રાજકોટ, મોરબી અને જામનગર સૌથી વધુ થાય છે. આ ત્રણ શહેર સહિત આખા સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમોનો મળીને મહિને અંદાજિત 1 લાખ ટન કોલસાનો વપરાશ થઈ જતો હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. જોકે હાલમાં માલ પૂરતો નહિ મળતા ઉદ્યોગકારો ખુલ્લા બજારમાંથી લઈ રહ્યા છે.
જે કોલસાનો ભાવ પહેલા રૂ. 2500 હતો તેનો ભાવ અત્યારે રૂ.5 હજાર મેટ્રિક ટને પહોંચ્યો છે. તેમ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જંયતીભાઈ પટેલ જણાવે છે. વધુમાં તેના જણાવ્યાુનસાર જરૂરિયાત કરતા કોલસો ઓછો મળતો હોવાને કારણે ઉંચા ભાવ ચૂકવીને કાળાબજારમાંથી માલ ખરીદ કરવો પડે છે. વધુમાં તેના જણાવ્યાનુસાર મોરબીમાં સિરામિક ઉદ્યોગ, સ્પ્રે ડાયર, પેપર મિલ, સનમાઈકા, નળિયા અને ઈંટ ઉદ્યોગમાં કોલસાનો વપરાશ થાય છે.
મોરબીને જીએમડીસી તરફથી કોલસો મળે છે જે માલ પૂરતો મળતો નથી. જેને કારણે આયાતી કોલસો ઉંચા ભાવે ખરીદ કરવો પડે છે. જ્યારે રાજકોટના ઉદ્યોગકારોના જણાવ્યાનુસાર રાજકોટમાં ફાઉન્ડ્રી એકમમાં કોલસાનો વપરાશ વધારે થાય છે. જે અંદાજિત 40 હજાર મેટ્રિક ટન છે. હાલ અન્ય રો -મટિરિયલ્સની સાથે સાથે કોલસાના ભાવ પણ વધી રહ્યા છે. જેને કારણે વેપાર ધંધામાં હાથ પરની રહેલી રોકડનું પ્રમાણ પહેલા કરતા વધારે રાખવું પડી રહ્યું છે.
ઈમર્જન્સી ફંડ રાખવાનું પ્રમાણ પહેલા કરતા ડબલ થયું છે. નાના એકમોથી લઇને મોટી કંપનીઓ હવે આ પદ્ધતિથી મૂડીરોકાણ કરી રહી છે. તેમજ ઉધારમાં આપવામાં આવતા માલનું પ્રમાણ ઘટાડી નાખ્યું છે. મૂડી રોકાણ ઉપરાંત ઓર્ડર લેવાની પદ્ધતિમાં પણ બદલાવ આવ્યો છે. ઓર્ડર એડવાન્સમાં લેવાને બદલે હવે વેપારીઓ પોતાની પાસે કાચો માલ કેટલો ઉપલબ્ધ છે તેને આધારે તેઓ નવા ઓર્ડર લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.