મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનથી દક્ષિણ તરફ વળતા કાલથી ચોમાસું સક્રિય થશે. ત્રણ દિવસ સુધી મધ્યમથી 3 ઈંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે. ચોમાસાને હજુ બે મહિના બાકી છે. ત્યારે આ બે મહિના જૂન-જુલાઈ જેવો જ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી વરસાદનું જોર રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય 6 અને 7 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર- કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 8 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મોન્સૂન ટ્રફ દક્ષિણ તરફ હોય ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેતું હોય છે. ગુરુવારે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્નનગરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે બાકીના જિલ્લામાં મહત્તમ તાપમાન 31થી લઇને 33 ડિગ્રી સુધીનું રહ્યું હતું. રાજકોટમાં બુધવારે સાંજના સમયે આકાશ વાદળોથી ગોરંભાયું હતું. પરંતુ કેટલાક વિસ્તારમાં માત્ર છાંટા જ પડ્યા હતા. હાલમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોવાને કારણે ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની માત્રા વધારે રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.