નવી પહેલ:સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં બનશે સંસ્કૃત પાઠશાળા, ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના પૂર્વ પ્રાધ્યાપક ડૉ.ચોટલિયા માર્ગદર્શન આપશે

રાજકોટમાં પ્રથમ સંસ્કૃત પાઠશાળા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષથી શરૂ કરવામાં આવશે. 121 વર્ષ જૂના સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા રાજ્ય સ૨કા૨ સમક્ષ સંસ્કૃત પાઠશાળા શરૂ કરવા માગણી કરાઈ હતી. કમિશનર સ્કૂલ્સ દ્વારા ધો.9 એટલે કે પ્રથમાની મંજૂરી મળતા હવે સૌરાષ્ટ્ર સંસ્કૃત પાઠશાળાનો આરંભ થશે.

આ અંગે માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ ડો.ભદ્રાયુભાઈ વછરાજાની, ટ્રસ્ટી હરદેવસિંહ જાડેજા, મુકેશભાઈ દોશી, ડો. નિદત્તભાઈ બારોટે જણાવ્યું હતું કે, રાજકોટમાં પ્રજાને એક આદર્શ પાઠશાળાની આવશ્યક્તા છે. આ વર્ષથી સંસ્કૃત પાઠશાળાનું પ્રથમ વર્ષ એટલે કે પ્રથમા શરૂ કરવામાં આવશે. ધો.8 પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. શાળાએથી પ્રવેશ ફોર્મ ઉપલબ્ધ થશે. દસ દિવસ સુધી પ્રવેશ ફોર્મ આપવામાં આવશે અને ત્યારબાદ પ્રવેશ આપી પાઠશાળાનો પ્રારંભ થશે. રૂ.5 હજા૨ની સત્ર ફીથી શાળા કાર્ય કરશે.

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી કોઈ ઈચ્છુક વિદ્યાર્થી પાઠશાળાથી વંચિત ન રહે તેવું આયોજન કરવામાં આવશે. પાઠશાળામાં સમય અને શક્તિ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંસ્કૃત ભવનના પૂર્વ પ્રાધ્યાપક ડો.ચોટલિયા નવી શરૂ થનાર પાઠશાળામાં માર્ગદર્શક તરીકે સેવાઓ આપવા અને જરૂર પડ્યે પ્રધાનાચાર્યની જવાબદારી નિભાવશે.

25 વિદ્યાર્થીનો એક વર્ગ થશે, સંસ્કૃતના 3, ભાષાના 2, ગણિતનો 1 વિષય રહેશે
સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં આગામી દિવસોમાં શરૂ થનારી સંસ્કૃત પાઠશાળામાં પ્રારંભિક તબક્કે 25 વિદ્યાર્થીનો એક વર્ગ શરૂ કરવામાં આવશે. આ પાઠશાળામાં વિદ્યાર્થીઓને સંસ્કૃતના 3 વિષય ઉપરાંત ગણિત, ગુજરાતી અને અંગ્રેજીના એક-એક વિષય ભણાવાશે. જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તેમ વધુ વર્ગો શરૂ કરવામાં આવશે.

સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના પૂર્વ પ્રાધ્યાપક ડૉ.ચોટલિયા ભણાવશે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં શરૂ થઇ રહેલી સંસ્કૃત પાઠશાળા રાજકોટની પ્રથમ પાઠશાળા બનશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં રમેશભાઈ ઓઝાના સાંદીપનિ આશ્રમમાં પણ આ પ્રકારે સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...