સરકારે વીજ ગ્રાહકોને 100 યુનિટ માફી આપવાની જાહેરાત કર્યા બાદ દિવસો સુધી અમલી નહીં થતા લોકોના દિમાગમાં પણ ક્યારે 100 યુનિટ બાદ મળશે તે પ્રશ્ન સતત થઇ રહ્યો છે. ત્યારે પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જે વીજ ગ્રાહકનો માસિક વીજ વપરાશ 200 યુનિટ કે તેથી ઓછો છે તેને 100 યુનિટ બાદ મળશે. આ ગણતરી રહેણાક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું છેલ્લું મીટર રીડિંગ અને લોકડાઉન પછીનું પ્રથમ મીટર રીડિંગના તફાવતને પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને જો માસિક વીજ વપરાશ 200 યુનિટથી ઓછો હશે તો 100 યુનિટનો લાભ મળવાપાત્ર થશે. જે ગ્રાહકોને માસિક વીજ વપરાશ 100 યુનિટથી પણ ઓછો હશે તેવા કિસ્સામાં જેટલા યુનિટ વપરાશ હશે તેટલા યુનિટ માફ મળશે. પીજીવીસીએલ દ્વારા મે માસ સુધીનું બિલિંગ મોટેભાગે દરેક ગ્રાહકોને કરી દેવાયું છે. હવે પછીનું બિલિંગ એટલે કે જૂન-જુલાઈનું જે બિલિંગ જુલાઈના અંતમાં કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થશે તે મહિનામાં વીજ ગ્રાહકોને 100 યુનિટ બાદ મળશે. વીજ ગ્રાહકને 100 યુનિટ એટલે કે એવરેજ રૂ. 500 જેટલો ફાયદો થશે.
આ રીતે સમજો કોને 100 યુનિટનો લાભ મળશે, કોને નહીં મળે
ઉદાહરણ-1 - જો બે બિલ વચ્ચેના દિવસો 130 હોય,
વપરાશ 800 યુનિટ હોય તો
800/130=6.153 એક દિવસ
આથી માસિક વપરાશ
6.153X30=184.5
આથી આ કિસ્સામાં 100 યુનિટનો લાભ મળે
ઉદાહરણ-2 - જો કુલ વપરાશ 1000 યુનિટ હોય તો
1000/130=7.69 એક દિવસ
આથી માસિક વપરાશ
7.69X30= 230 યુનિટ
આ કિસ્સામાં કોઈ જ લાભ નહીં મળે
ઉદાહરણ-3 - કુલ વપરાશ 400 યુનિટ હોય તો
400/130=3.07 એક દિવસનો વપરાશ
આથી માસિક વપરાશ
3.07X30=92 યુનિટ
આ કિસ્સામાં 92 યુનિટ બાદ મળશે.
સીધી વાત - શ્વેતા ટીઓટીઆ, મેનેજિંગ ડિરેક્ટર, PGVCL
પ્રશ્ન: 100 યુનિટ લોકોને ક્યાં બિલમાં બાદ મળશે?
જવાબ: જૂન-જુલાઈના એટલે કે હવે પછીની બિલિંગ સાઇકલમાં મળશે.
પ્રશ્ન: સૌરાષ્ટ્રના કેટલા વીજ ગ્રાહકોને લાભ મળશે?
જવાબ: અમે આંકડો કાઢ્યો નથી, પણ મધ્યમ વર્ગના લોકોને મળશે.
પ્રશ્ન: બિલિંગ સિસ્ટમમાં કોઈ બદલાવ કરાયો છે કે કેમ?
જવાબ: 100 યુનિટ બિલિંગમાંથી બાદ આપવા ખાસ સોફ્ટવેર બનશે.
પ્રશ્ન: મીટર રીડરને બિલ અંગે કોઈ જાણ હોતી નથી એવું શા માટે?
જવાબ: અમે મીટર રીડરોને પણ ટ્રેનિંગ આપી રહ્યા છીએ.
આ પણ જાણો - એક માસનો ફિક્સ ચાર્જ માફ કરાશે
PGVCLના ઈજનેરો અને મીટર રીડરોને તાલીમ અપાઈ
100 યુનિટ માફી અને વીજબિલ વધુ આવ્યું હોવાને લઈને દરરોજ મોટી સંખ્યામાં ગ્રાહકો પીજીવીસીએલની વિભાગીય કચેરીઓમાં ઊમટી પડે છે, મીટર રીડરોને પણ લોકો પૂછે છે, પરંતુ તેમને કોઈ જાણ હોતી નથી. આથી કચેરીએ આવતા લોકોને અને મીટર રીડિંગ દરમિયાન પણ લોકોના મનમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે વીજકંપનીના ઈજનેરોને અને મીટર રીડરોને ખાસ તાલીમ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.